ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય સ્વચ્છ ભારત અભિયાન હેઠળ તા. 01 જુલાઈ, 2023 થી 15 જુલાઈ, 2023 દરમિયાન સ્વચ્છતા પખવાડા, 2023ની ઉજવણી કરી રહ્યું છે.
આ અભિયાનનો મુખ્ય ઉદેશ્ય જન ભાગીદારીને પ્રોત્સાહિત કરવા તથા સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો છે.
ગુજરાતના પશ્ચિમ ક્ષેત્રમાં સ્થિત નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (NSSO), આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના ફિલ્ડ ઓપરેશન્સ વિભાગની તમામ કચેરીઓએ પખવાડા દરમિયાન સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી હતી.
જે અંતર્ગત ઉપ-પ્રાદેશિક કચેરી, જામનગર દ્વારા તા.15મી જુલાઈના રોજ એક વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્ષેત્રના અધિકારીઓ દ્વારા બાલા હનુમાન મંદિરના પરિસર અને આસપાસના વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી તેમજ વૃક્ષારોપણની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં કોર્પોરેટર, કેતનભાઈ નાખવા અને ઉપ-પ્રાદેશિક કચેરીના અધિકારીઓએ હાજરી આપી હતી. લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે રેલી પણ કાઢવામાં આવી હતી. નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (NSSO), ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ (FOD) ની કચેરીઓ દ્વારા અમદાવાદના ગાંધી આશ્રમમાં આવેલી સફાઈ વિદ્યાલય, તખતેશ્વર મહાદેવ મંદિર અને જોગર્સ પાર્ક, ભાવનગર, મંજુલા કન્યા વિદ્યાલય અને સી. એચ. શાહ મૈત્રી વિદ્યાપીઠ, સુરેન્દ્રનગર ખાતે પણ 15મી જુલાઈ, 2023 ના રોજ સમાન પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદની પ્રાદેશિક કચેરી નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (NSSO), ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ (FOD) ના ઉપ મહાનિદેશક અને પ્રાદેશિક વડા એસ. કે. ભાણાવત અને વરિષ્ઠ આંકડાકીય અધિકારી અને ઉપ-પ્રાદેશિક કચેરીના ઇન્ચાર્જ શ્રીમતી એચ.બી.જાજલ ના માર્ગદર્શન હેઠળ આ કચેરીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.