ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં પ્રથમ તબક્કામાં જામનગર સ્થિત રિલાયન્સ રિફાઇનરી નજીકના ગામો અને ત્યારબાદ ઉત્સાહી નિષ્ઠાવાન પશુ પાલકોને મદદરુપ થવા અન્ય દૂરનાં ગામોમાં પણ રિલાયન્સ વેટરનરી હોસ્પિટલના માધ્યમથી પશુ આરોગ્ય અને પશુ જાળવણી આનુષાંગિક તમામ બાબતોને આવરી લેતી સર્વગ્રાહી પ્રવૃત્તિ ચાલી રહી છે. આજ સુધીમાં આ હોસ્પિટલ દ્વારા 1,15,000 જેટલાં પશુઓને સારવાર, 4000 પશુઓને કૃત્રિમ બીજદાન તથા 34 આરોગ્ય કેમ્પોમાં 30 હજારથી વધુ પશુઓને એમ કુલ મળીને દોઢ લાખ જેટલા પશુઓને સારવાર આપવામાં આવી છે. 1700 જેટલાં પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોના મહામારી વખતે ટેલી મેડિસિન દ્વારા ઓનલાઈન રોગનિદાન કરી 2560 જેટલાં પશુઓને સારવાર અને 600 થી વધુ ઉત્સાહી પશુપાલકો સાથે ટેલિબ્રિફીંગ દ્વારા માર્ગદર્શન કરવામાં આવ્યું હતું.
લાલપુર તાલુકાના પડાણા ગામ ખાતે રિલાયન્સ દ્વારા સ્થપાયેલી આધુનિક સુવિધાઓ સાથેની પશુ હોસ્પિટલમાં પશુઓને લગતા તમામ રોગો તથા ઇજાઓના નિદાન અને સારવાર માટે લોહી -પેશાબ – છાણની ચકાસણી માટે લેબોરેટરી, અત્યાધુનિક ઓપરેશન થિયેટર, મોબાઈલ વેટરનરી વાન, અકસ્માતે ઇજાગ્રસ્ત ચલન અવયવોની ભાંગ-તૂટ થયેલ હાડકાની તપાસણી માટે એક્સ-રે મશીન, તે લગત દવાઓ સાથેની ફાર્મસી, ગંભીર બીમાર પશુઓને ઈન્ડોર દાખલ સારવાર માટે પશુ શેડ વગેરે તમામ સગવડો ઉપલબ્ધ છે. નિષ્ણાત અને સન્નિષ્ઠ તબીબી અને પેરા મેડીકલ સ્ટાફ ધરાવતાં આ ચિકિત્સાલય દ્વારા દર વર્ષે પશુ વંધ્યત્વ નિવારણ અને પશુ કૃમિ નિયંત્રણ માટેના કેમ્પો યોજવામાં આવે છે. આ ઉપરાંત પશુઓમાં કોઈ રોગચાળો ફેલાય ત્યારે ગામેગામ પશુ રોગ નિદાન – સારવાર – સંભાળના કેમ્પોનું પણ આયોજન કરવામાં આવે છે. તે ઉપરાંત પશુ જાત સુધારણા, સંવર્ધન , પોષણ, રસીકરણ તેવી આદર્શ પશુપાલન , જાળવણી તેમજ પશુ દૂધ ઉત્પાદન વૃદ્ધિ સબંધિત પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે.
ગત વર્ષે સમગ્ર રાજ્યમાં પશુઓમાં ફેલાયેલ ચામડીની જીવલેણ મહામારી ‘લંપી વાયરસ’ વખતે આ હોસ્પિટલ દ્વારા સરકારશ્રીની વ્યવસ્થાની આપૂર્તિ સાથે સંપર્કમા રહી તાત્કાલિક ધોરણે વેક્સીનેશન તથા અસરગ્રસ્ત જાનવરો તથા રસ્તે રઝળતાં બીનવારસી બિમાર જાનવરોની સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી.