ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા આરોગ્ય કેન્દ્ર હેઠળના દેડકડક ગામે રહેતા બે માસના બાળક હર્ષદને જન્મજાત હ્રદયમાં કાણું હોવાથી સરકાર દ્વારા કાર્યરત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ તેની સર્જરી વિનામૂલ્યે કરવામાં આવી છે.
ધ્રોલ તાલુકાના લૈયારા આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા દેડકદડ ગામમાં રહેતા અને મજુરી કામ કરતા મુળજીભાઇ ઝીઝુંવાડીયાના પરીવારમાં તા.૧૮ માર્ચ ૨૦૨૩ના રોજ પુત્ર હર્ષદનો જન્મ થયો હતો. પિતા મજુરી કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા.
હર્ષદનાં જન્મ સમયે ડોકટરો દ્વારા તેના માતા પિતાને જાણ કરવામાં આવી કે બાળકને હૃદયની બીમારી છે. બાદમાં માતા પિતા બાળક સાથે ઘરે પરત આવ્યા. અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.અલ્તાફ વસનાણીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમના ડો.નરેન્દ્ર માલાણી અને ડો.ઋતલ વાડોદરીયા દ્વારા બાળકની પ્રાથમિક તપાસ માટે તેના ઘરે મુલાકાત કરવામાં આવી. બાળકને હૃદય રોગની બીમારી હોવાથી સંદર્ભ કાર્ડ ભરી જી.જી.હોસ્પિટલ જામનગર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં હર્ષદની પ્રાથમિક તપાસમાં ECG , 2D-ECHO,બ્લડ રિપોર્ટ કરતા જોવા મળ્યું કે તેને CHD-Congenital Heart Disease એટલે કે હૃદયમાં કાણું હતું.
બાદમાં વધુ સઘન સારવાર માટે તેને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા. જ્યાં નિષ્ણાંત ડોકટરની ટીમ દ્વારા ખૂબ જ કૂનેહથી તા.૧૬-૫-૨૦૨૩ ના રોજ વિનામૂલ્યે શસ્ત્રક્રિયા અને જરૂરી સારવાર કરી ક્ષતિને દૂર કરવામાં આવી અને ૮ દિવસ સારવાર કરી બાળકને હોસ્પિટલ માંથી રજા આપી દર ૬ મહીને નિયમિત તપાસ અર્થે કહેવામાં આવ્યું.
આ બાળક હાલ નોર્મલ જીવન જીવી રહ્યું છે.પોતાના બાળકની જન્મજાત હૃદયની બીમારી દૂર થતાં તેના માતા પિતા અને પરિવારે ડોકટરો અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.