ધ્રોલ તાલુકામાં અતિકુપોષિત બાળકોના આરોગ્યની તપાસ અને પોષણ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જીલ્લા લેવલ રિવ્યુ અને મોનીટરીંગ કમિટી મીટીંગમાં મળેલ સુચના અનુસાર અતિ કુપોષિત બાળકોના સ્ક્રીનિંગનું આયોજન આઈ.સી.ડી.એસ ધ્રોલ ખાતે કરવામાં આવ્યું હતું.

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.અલ્તાફ વસનાણીના માર્ગદર્શન હેઠળ ધ્રોલ શહેરી વિસ્તારના ૦ થી ૬ વર્ષ ના 27 જેટલા અતિ કુપોષિત બાળકોને અને વાલીઓને બોલાવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ICDS વિભાગના સી.ડી.પી.ઓ નર્મદાબેન ઠોરિયા તથા RBSK – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમના ડો.હાર્દિક રામોલિયા , ડો.પૂજા વિસોડિયા , ડો.નરેન્દ્ર માલાણી , ડો.ઋતલ વાડોદરિયાએ તમામ.બાળકોના આરોગ્યની પ્રાથમિક તપાસ કરી હતી. જેમાં બાળકોનું વજન,ઊંચાઈ, હાથના બાવળાનું માપ ( ઘેરાવો ) કરવામાં આવ્યું હતું. બાદમાં દરેક વાલીઓને બાળકના આરોગ્ય તેમજ પોષણયુક્ત આહાર જેવાકે દાળિયા, મગ , ચણા જેવા કઠોળ ખોરાકમાં લેવા વિશે માર્ગદર્શન આપી બાળકોના પ્રથમ 1000 દિવસ ખૂબ અગત્યના હોય કાળજી અને તકેદારી રાખવા સમજાવ્યું હતું. બાદમાં દરેક બાળકોને ૧ મહિના માટે વિટામિન અને મિનરલ્સ યુક્ત સીરપનું વિના મુલ્યે વિતરણ કરાયું હતું. તેમજ ICDS વિભાગ દ્વારા તમામ બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.