ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
હિન્દુઓના આસ્થા કેન્દ્ર ગણાતા બરફાની બાબા અમરનાથની યાત્રાbહાલમાં જ શરૂ થઇ છે. મોટી સંખ્યામાં લોકો અમરનાથ બાબા બર્ફાનીના દર્શન કરવા માટે પહોંચી રહ્યાં છે.
છોટાકાશી તરીકે જાણીતા જામનગરમાંથી પણ દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો અમરનાથની યાત્રા કરતાં હોય છે. અમરનાથની યાત્રા દરમિયાન અનેક મુશ્કેલીઓ આવતી હોય છે, જેમ કે ત્યાં પહાડી રસ્તો, ઓક્સિજન લેવલ ઓછું અને ઠંડીનું પ્રમાણ વધુ હોવાથી યાત્રામાં મુશ્કેલીઓ પડતી હોય છે. પરંતુ કેટલાક સાહસિક ભક્તોનું કહેવું છે કે, બાબા બર્ફાનીના આશિર્વાદ હોય એટલે મુશ્કેલ યાત્રા પણ સરળ બની જાય છે.
જામનગરના સિદ્ધનાથ મહાદેવના મંદિરેથી રાજપુત સેવા સંઘના છ વ્યક્તિઓ ત્રણ બાઇક લઇને અમરનાથના પ્રવાસે નીકળ્યા છે. વિશ્વમાં શાંતિ અને કલ્યાણના સંદેશા સાથે તેઓ આ પ્રવાસે નીકળ્યા છે. સાડા પાંચ હજાર કિલોમીટરનો આ પ્રવાસ પૂર્ણ કરવામાં અંદાજે 20થી 25 દિવસનો સમય લાગશે. તો આ પ્રવાસમાં જોડાયેલા દિલિપસિંહજી અગાઉ 12 વખત બાઇક લઇને જામનગરથી અમરનાથની યાત્રા કરી ચૂક્યા છે. હવે તેઓ 13મી વખત આ પ્રવાસે નીકળ્યા છે.
બાઇક લઇને અમરનાથની નીકળેલા 6 લોકોમાં ધર્મેન્દ્રસિંહ જીવાજી રાઠોડે જણાવ્યું કે અમે અંદાજે 9 થી 10 દિવસમાં અમરનાથ પહોંચીશુ, જ્યાં બાબા અમરનાથના દર્શન કર્યા બાદ ફરી બાઇક લઇને જામનગર આવીશું. એટલે કુલ 20 થી 25 દિવસમાં અમારો આ સમગ્ર પ્રવાસ રહેશે.
અમરનાથ યાત્રા જીવનમાં એક વખત તો કરવી જોઇએ, પરંતુ ધર્મ નગરી અને છોટા કાશી તરીકે જાણીતા જામનગરના છ શિવભક્તો ત્રણ બાઈક લઈને અમરનાથ યાત્રાએ રવાના થયા છે ત્યારે તેમના પરિવારજનો અને અગ્રણીઓ દ્વારા હર હર મહાદેવ અને બમ બમ બોલે ના નાજ સાથે સિધ્ધનાથ મહાદેવ મંદિરેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
(તસવીર: મનસુખ રામોલિયા)