ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગર જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં સંચારી રોગોના અટકાયત અંગેની જિલ્લા સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વોટર કલોરીનેશન, ઘન કચરાનો નિકાલ, હોટેલમાં ખોરાકની તપાસણી, પાણીજન્ય અને વાહકજન્ય રોગોના અટકાવ અને નિયંત્રણ કાર્યક્રમના પાસાંઓ અને આગામી નવા પગલાંઓ લઈ શકાય તેની સમિતિના સદસ્યો સાથે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં પાણીના ચેકીંગ માટે ક્લોરોસ્કોપ મશીનની ફાળવણી, ક્લોરીન ટેબ્લેટનું વિતરણ, કર્મચારીઓને ટ્રેઈનિંગ આપવી, ગ્રામ્ય વિસ્તારો અને નગરપાલિકામાં ઘન કચરાના નિકાલ, હોટેલ્સમાં અને લારી/ ગલ્લામાં વાસી ખોરાકનું ચેકીંગ તેમજ પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજીસ નિવારવા માટેના પગલાંની કલેકટરએ સમિતિના સદસ્યો સાથે વિસ્તૃતપણે ચર્ચા- વિચારણા કરી હતી. કલેકટરએ સમિતિના સદસ્યોને જરૂરી કાર્યવાહી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી.
સમિતિમાં થયેલી ચર્ચા મુજબ, જે હોટેલ્સ કે ગલ્લા, લારીઓમાં વાસી ખાદ્ય પદાર્થો ઝડપાય તો ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ઘન કચરાનો કે બાયો- મેડિકલ વેસ્ટનો જો જાહેરમાં નિકાલ કરવામાં આવતું હોવાનું ધ્યાને આવશે તો આ અંગે કડક દંડ પણ લાગુ પાડવામાં આવશે. સંલગ્ન વિભાગોએ તેમની કામગીરીનો 15 દિવસનો રીપૉર્ટ પણ તૈયાર કરવાનો રહેશે. બેઠકમાં ઉપસ્થિત સર્વેનું જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હારુન ભાયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું.
ઉક્ત બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર, એમ. પી. શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઈ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી. એન. કન્નર, આર. સી. એચ. ઓ. ડો. નૂપુર કુમાર પ્રસાદ, ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. સંદીપ રાઠોડ, ફૂડ એન્ડ ડ્રગ્સ ઓફિસર એસ. જે. પ્રજાપતિ, નાયબ પશુપાલન નિયામક ડો. તેજસ શુક્લ, જિલ્લા ખેતીવાડી અધિકારી ગોહિલ તેમજ સંકલન સમિતિના અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.