જામનગરમાં રિલાયન્સે STની બંધ બસમાં CSR અંતર્ગત ગરીબ બાળકો માટે મોબાઈલ આંગણવાડી શરૂ કરી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 

જામનગર જિલ્લાના અતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ગરીબ લોકોને પોતાના વિસ્તારમાં જ મોબાઈલ આંગણવાડી માધ્યમથી સાક્ષરતા માટે રિલાયન્સ પરિવાર દ્વારા સી.એસ.આર એક્ટિવિટી અંતર્ગત અનોખી પહેલ કરવામાં આવી છે.

બાળકોનો પાયો પાકો કરવા માટે આંગણવાડી મહત્વનો ભાગ ભજવતું હોય છે ત્યારે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જુદી જુદી બે એસટી બસને વેસ્ટ માંથી બેસ્ટ બનાવી ગરીબ બાળકોને આકર્ષણ રૂપી મોબાઇલ આંગણવાડી શરૂ કરવામાં આવી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લોકોના ઉત્થાન માટે અનેકવિધ સેવાકીય કાર્યો કરે છે ત્યારે જામનગરમાં સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે રિલાયન્સ કંપની દ્વારા ગરીબ બાળકોના ભવિષ્યની પણ ચિંતા કરવામાં આવે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજૂરો અને શ્રમજીવીઓના નાના નાના ભૂલકાઓને અભ્યાસમાં રુચિ જાગે તે માટે ખાસ મોબાઈલ આંગણવાડી શરૂ કરવામાં આવી છે.

બંધ પડેલી એસટી બસોને વેસ્ટ માંથી બેસ્ટ બનાવી ગરીબ વિસ્તારના લોકો જ્યાં વસવાટ કરતા હોય છે. ત્યાં અતરીયાળ વિસ્તારમાં તેમની ખૂબ જ નજીક આ બસને આંગણવાડી સ્વરૂપે આકર્ષક રીતે સજાવીને મૂકવામાં આવી છે. મોબાઈલ ઓન વ્હીલ્સ આંગણવાડી ને બહારથી જોતા જ બાળકોને આકર્ષણ થાય તેવા વિવિધ શૈક્ષણિક અને જીવન શૈલી ના ચિત્રો રજૂ કરી અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.

મોબાઈલ આંગણવાડી ની અંદર ખાસ બાળકોને અંકગણિત ઉપરાંત પશુ પક્ષીઓના ચિત્રોના માધ્યમથી વાકેફ કરી પાયો પાકો કરવામાં આવી રહ્યો છે.

એસટી બસના વેસ્ટ માંથી બેસ્ટ બનાવી તેની અંદર બાળકો માટે નાની નાની ખુરશીઓ રાખી શરૂ કરાયેલ મોબાઈલ આંગણવાડીમાં ખાસ શિક્ષિકાઓ પણ આ જ વિસ્તારમાંથી આત્મનિર્ભર થાય તે માટે ટેલેન્ટેડ યુવતીઓની પસંદગી કરવામાં આવી છે. આ યુવતીઓને રિલાયન્સ દ્વારા તેમના અભ્યાસની સાથે જીવન નિર્વાહ થાય અને બાળકોની સાર સંભાળ રાખવામાં આવે તે માટે પણ આયોજનબદ્ધ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે.

અલગ અલગ સ્થળે 3 જેટલા શિક્ષિકાઓ રજાના દિવસો સિવાય સવારથી જ ગરીબ બાળકો માટે શિક્ષા અભ્યાસ લઈને પહોંચે છે. અને બાળકો પણ જ્ઞાન સાથે ગમ્મત મેળવી ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

શિક્ષણની સાથે બાળકોના પોષણ માટે પણ રિલાયન્સના સહયોગથી ચાલતા અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા બાળકોના ડાયટ મુજબનું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન પણ મોબાઈલ આંગણવાડીમાં આપવામાં આવે છે. જેથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના ગરીબ બાળકોના માતા-પિતા હોંશભેર જિંદગીના પડાવનો શરૂઆતી પાયો પાકો કરવા મોબાઈલ આંગણવાડીમાં મોકલી રહ્યા છે.