ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત દેશના આઝાદી સંગ્રામમાં જેમણે અમૂલ્ય યોગદાન આપ્યું છે, તેવા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના પરિવારજનોનું સન્માન કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાંથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં 27 જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓએ યોગદાન આપ્યું હતું. જેમાંથી 3 સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું જિલ્લા કલેકટર બી. એ. શાહ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
જામનગરના સ્વાતંત્ર્ય સેનાની છગનલાલ કચરાભાઈ પીઠડીયાએ વર્ષ 1931 ના ‘ઝંડા સત્યાગ્રહ’ માં સક્રિયપણે ભાગ લીધો હતો. જેથી તેમને ધ્રોલ છોડવું પડ્યું હતું. તેમણે મોરબી અને ધ્રાંગધ્રા ખાતેના સત્યાગ્રહમાં પણ ભાગ લીધો હતો. આ સત્યાગ્રહમાં તેમને 1 માસની સજા ભોગવવી પડી હતી. તેમના પુત્રી સરોજબેન છગનલાલ પીઠડીયાને સન્માન સ્વરૂપે શાલ અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા.
અન્ય સ્વાતંત્ર્ય સેનાની ગોકળદાસ હીરજી ઠક્કરે જૂનાગઢમાં ‘આરઝી હકુમત’ માં સાથ આપ્યો હતો. તેમણે રાજકોટ સત્યાગ્રહમાં પણ ભાગ લીધો હતો. અંધશ્રદ્ધા અને કુવિચારોની સામે હંમેશા તેમણે લડત આપી છે. તેમના પૌત્ર દીપક ઠકર, દર્શન ઠક્કર અને વિકાસ ઠક્કરનું સન્માન કરાયું હતું.
ત્રીજા સ્વાતંત્ર્ય સેનાની મનસુખલાલ એ. મહેતાએ રાજકોટની લડતમાં સક્રિયપણે ભાગ લીધો હતો. જામનગરથી સત્યાગ્રહીઓની ટુકડી બનાવીને રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં તેમણે કામ કર્યું હતું. તેમના ધર્મપત્ની કુસુમબાળા એમ. મહેતા અને તેમના પુત્ર દીપક મહેતાનું સન્માન કરવામાં આવ્યું હતું. કલેકટર બી. એ. શાહે સ્વાતંત્ર સેનાનીઓ અને તેમના પરિવારજનોના દેશ પ્રત્યેના બલિદાન અને તેમની દેશભક્તિને બિરદાવી હતી.
સન્માન કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર, જિલ્લા પોલીસ અધિક્ષકના પ્રતિનિધિ, જિલ્લા યુવા વિકાસ અધિકારી એમ. આઈ. પઠાણ, હિતેન રામાવત તેમજ અન્ય કર્મચારીગણ હાજર રહ્યા હતા.