ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જામનગર જિલ્લાના ખેડૂતો તથા નાગરિકોના જમીન માપણી સહિતના પ્રશ્નો ઉકેલાય તે હેતુથી જિલ્લા કલેક્ટર બી.એ.શાહ તથા ડી.આઈ.એલ.આર. કચેરીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
બેઠકમાં મંત્રીએ વિવિધ ગામોની માપણી બાદની સ્થિતિ, જિલ્લામાં સ્ટાફ તથા મશીનરીની ફાળવણી, કમી જાસ્તી પત્રકની વિગતો વગેરે બાબતે ચર્ચા કરી હતી તેમજ નાગરિકો દ્વારા મંત્રીમારફત રજૂ કરાયેલ પ્રશ્નો પરત્વે અંગત લક્ષ્ય કેન્દ્રિત કરી તેનો ઝડપી નિકાલ લાવવા સૂચના કરી હતી અને જણાવ્યું હતું કે જમીન એ વ્યક્તિની મરણ મૂડી સમાન છે જેથી તેઓની રજૂઆત અને ફરિયાદનો સત્વરે નિકાલ આવે તે ઇચ્છનીય છે. બેઠકમાં ખાસ ઝુંબેશના ભાગરૂપે કામગીરી હાથ ધરી પડતર અરજીઓનો નિકાલ કરવા અને લોકોને સંતોષ થાય તેવો લોકાભિમુખ વહીવટ ચલાવવા મંત્રીએ તાકીદ કરી હતી.
બેઠકમાં ડિસ્ટ્રિક્ટ ઇન્સપેક્ટર લેન્ડ રેકર્ડ ફોરમ કુબાવતે વિગતો આપતા જણાવ્યું હતું કે તમામ અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ થાય તેમજ અરજદારોને મુશ્કેલી ન પડે તે હેતુથી કચેરી દ્વારા સરળ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે.ગ્રામ્ય કક્ષાએ વિવિધ ટીમો દ્વારા જમીન માપણીની પ્રક્રિયા શરૂ છે જ્યારે કચેરી ખાતે પણ ફાળવવામાં આવેલ ખાસ સ્ટાફ દ્વારા દફ્તરી અંગેની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે. તમામ ગામોની ચોક્કસ સમય મર્યાદામાં જમીન માપણી થઈ શકે તે હેતુથી કચેરી દ્વારા માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે.
બેઠકમાં જિલ્લા કલેકટરબી.એ.શાહ, અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચૌધરી,સર્વે પ્રાંત અધિકારીઓ, સુપ્રિન્ટેડન્ટ લેન્ડ રેકર્ડ આર.એ.ડામોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા