ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
24 કલાકમાં જામનગર શહેરમાં થયેલ ભારે વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની રજૂઆતો મળતા મંત્રી રાઘવજીભાઈ પટેલે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમજ લોકોને પડી રહેલ હાલાકીનું નિવારણ લાવવા જામનગર મહાનગરપાલિકા ખાતે પાણીના નિકાલ સહિતની જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા અંગે મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી.
મંત્રીએ બેઠકમાં જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડા દરમિયાન તંત્રએ ખૂબ જ સરાહનીય કામગીરી કરી જેની હકારાત્મક નોંધ સમગ્ર રાજ્યમાં લેવાઇ ત્યારે હાલ વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયાં છે ત્યાં પણ જરૂરી સંસાધનો સાથે એ જ પ્રકારે કામગીરી હાથ ધરી લોકોને મદદરૂપ થવાની જરૂર છે. વિસ્તારોમાં ભરાયેલ પાણીના નિકાલ માટે તાત્કાલિક ટીમોની રચના કરી, કાદવ કીચડ દૂર કરી, જરૂરી દવાઓનો છંટકાવ કરવા પણ મંત્રીએ જણાવ્યું હતું તેમજ જો કોઈએ પાણીના વહેણ પર વ્યક્તિગત દબાણ કરેલ હોય તો કડક કાર્યવાહી હાથ ધરી દબાણકર્તાના ખર્ચે જ એ અવરોધ રૂપ દબાણ દૂર કરી પાણીના નિકાલની જરૂરી વ્યવસ્થા ગોઠવવા તાકીદ કરી હતી.વધુમાં હવામાન વિભાગની આગાહી તેમજ એલર્ટને પણ ધ્યાને લઈ જરૂરી આગોતરા આયોજન કરવા મંત્રીએ સૂચન કર્યું હતું.
આ બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા,મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશ્નોઇ સહિતના પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.