જામનગરના ભારે વરસાદ બાદ પાણી ભરાયેલા નિચાણવાળા વિસ્તારમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે તાત્કાલિક સમીક્ષા કરી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં ભારે વરસાદથી નીચેના નુકસાની થયેલા વિસ્તાર ગણાતા નારાયણનગર, મોહનનગર સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ કૃષિમંત્રી રાઘવજી પટેલે સમીક્ષા કરી છે અને તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી પાણીના વહેણ પરના અવરોધો હટાવવા તેમજ નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે પ્રકારે કામગીરી હાથ ધરવા તંત્રને સુચના પણ આપવામાં આવી છે.

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મતસ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજી પટેલે શહેરના નારાયણ નગર, મોહનનગર સહિતના નિંચાણ વાળા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને જરૂરી સમીક્ષા કરી હતી.

આ તકે મંત્રીએ સ્થળ પર જ વિસ્તારના નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળ્યા હતા અને મેયર બીનાબેન કોઠારી, મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદી સહિતના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી નાગરિકોની રજૂઆત અંગે સત્વરે કાર્યવાહી હાથ ધરવા તેમજ ભરાયેલ પાણીના નિકાલ અંગેની જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા જણાવ્યું હતું.

મંત્રી રાઘવજી પટેલે બિપરજોય વાવાઝોડા વેળાએ કરેલ કામગીરીની માફક જ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી પાણીના વહેણ પરના અવરોધો હટાવવા, કાદવ કીચડ દૂર કરવા તેમજ જરૂરી દવાઓનો છંટકાવ કરી નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે પ્રકારની કામગીરી હાથ ધરવા ભારપૂર્વક સૂચના આપી હતી.