ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
સંભવિત બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકિનારે ટકરાવાની શક્યતા છે. જેના પરિણામે જામનગર જિલ્લામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હોય બે દીવસમાં જિલ્લામાં 61 જેટલા વૃક્ષો ધરાશાઈ થયા છે. પરંતુ રસ્તા પર પડેલા વૃક્ષો તાત્કાલિક દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરાવવા માટે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતની કુલ 18 ટીમો કાર્યરત છે. અને તમામ વૃક્ષો ખસેડવામાં આવ્યા છે. હાલ જિલ્લામાં વૃક્ષો ધરાશાઈ થવાના પરિણામે એક પણ રસ્તો બંધ નથી.
જામનગર જિલ્લાના ધ્રોલ,જોડિયા, લાલપુર,કાલાવડ, જામજોધપુર,વસઇ, મોટી ગોપ વગેરે જગ્યાએ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતની ટીમો કાર્યરત છે. આ ટીમો દ્વારા ઈમરજન્સીના સમયે કોઈ રસ્તા બ્લોક થાય તો તે ક્લિયર કરવાની કામગીરી તથા વૃક્ષ કે અન્ય કોઈ ભારે સામાન રસ્તા ઉપર પડે તો તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.જેથી વાહન વ્યવહાર જળવાઈ રહે. અને રસ્તાઓ બ્લોક ન થઈ જાય.