જામનગરમાં વાવાઝોડા પહેલા 17 સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાહત રસોડા શરૂ કરાયા

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

બિપરજોય વાવાઝોડાના સંકટ સમયે તંત્ર દ્વારા જિલ્લાના દરિયાકાંઠે રહેતા 10 હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત આશ્રયસ્થાને સ્થળાંતરિત કરવામાં આવ્યું છે. આ આશ્રયસ્થાનોમાં આશરો લઈ રહેલ નાગરિકોને પાયાની તમામ સુવિધાઓ મળી રહે તે માટે તંત્ર દ્વારા અનેક પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે સરકારી તંત્ર સાથે ખભે-ખભો મિલાવી જામનગરની અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વયંસેવકો પણ મદદરૂપ થવા આગળ આવ્યા છે અને ચોવીસ કલાક લોકોને ભોજન, કપડા, તંત્રને સ્થળાંતરમાં મદદ વગેરે જેવી કામગીરી કરી માનવતા મહેકાવી રહ્યા છે.

જેમાં જામનગર જિલ્લાના શહેરી વિસ્તાર માટે તપોવન ફાઉન્ડે શન, જલારામ સેવા ટ્રસ્ટ તેમજ અક્ષયપાત્ર સંસ્થા, જામનગર ગ્રામ્ય વિસ્તાર માટે રિલાયન્સ ફાઉન્ડેશન તેમજ અક્ષયપાત્ર સંસ્થા, લાલપુર તાલુકા માટે રિલાયન્સ ફાઉન્ડેશન, સીંગચ સોલ્ટ, સબંધિત ગ્રામ પંચાયતો, કાનાછીકારી ગામે કરશનભાઈ સોચા દ્વારા તેમજ લાલપુર ગામે વકીલ મંડળ તથા અન્ય દાતાઓ તરફથી અને જોડિયા તાલુકામાં આંબલા ખાતે દિલીપ બિલ્ડકોન, બાલાચડી ખાતે શ્રીજી કો.ક., બાલંભા ખાતે ચોગલે કંપની તેમજ અન્ય તમામ જગ્યાએ ગામના આગેવાનો દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

ધ્રોલ વિસ્તારમાં અનડકટ ફાઉન્ડેગશન તેમજ આંબા ભગતની જગ્યા તેમજ જામનગર જિલ્લા કક્ષા માટે લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ, વડતાલ શાખા અને રોટરી ક્લબ જામનગર વગેરે જેવી સંસ્થાઓએ મદદનુ બીડું ઝડપ્યું છે.

જામનગરના હાપા ખાતે ચાલી રહેલ આવી જ એક જલારામ સેવા સંસ્થાના કાર્યકર રમેશભાઈ દતાણી જણાવે છે કે 1998થી બનેલી આ સંસ્થા સેવાને વરેલી છે. વાવાઝોડાની પરિસ્થિતિમાં આ સંસ્થાએ ગત મંગળવારથી જ સેવા યજ્ઞ શરૂ કરી દીધેલ છે. જિલ્લા વહીવટી તંત્ર તથા જામનગર મહાનગરપાલિકા સાથે સંકલન કરી આશ્રયસ્થાનોમાં આ સંસ્થા દ્વારા ત્રણ સમયનું ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે અને રોજિંદા 10 હજાર જેટલા નાગરિકો માટે બંને સમયનું ભોજન બનાવી સમયસર પહોંચતું કરવામાં આવી રહ્યું છે.

આ માટે 90 જેટલા કાર્યકરો 24 કલાક સેવારત છે. સમયસર તમામ આશ્રયસ્થાનો સુધી ભોજન પહોંચ્યું હતું કરી શકાય તે માટે સ્વયંસેવકો દ્વારા મધ્યરાત્રીથી જ ભોજન બનાવવાનું શરૂ કરી દેવામાં આવે છે.