ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, વડોદરા :
વડોદરાના આંગણે ભવ્ય સમા ઇનડોર સ્ટેડિયમમાં શરૂ થયેલી જી.એસ.એફ.એ.ની ગુજરાત સ્ટેટ ફૂટસાલ ચેમ્પિયનશીપમની બે ફાઇનલ મેચો 31 મે બુધવારે રમાઇ જતાં 24 મેથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટનું દબદબાભેર સમાપન થયું હતું.
ગર્લ્સ ફૂટસાલની ફાઇનલ અમદાવાદની એ.આર.એ.ફૂટબોલ ક્લબ અને શાર્પશૂટર ફૂટબોલ ક્લબ વચ્ચે રમાઈ. તેમાં એ.આર.એ.ફૂટબોલ ક્લબે શાર્પશૂટર ફૂટબોલ ક્લબને ચાર વિરુદ્ધ ત્રણ ગોલથી હરાવી ચેમ્પિયન ટ્રોફી મેળવી લીધી. પ્રથમ હાફમાં જ બન્ને ટીમોએ પોતપોતાના ગોલ કરી લીધા હતા અને બીજા હાફમાં બેમાંથી કોઇ ટીમ વધારાના ગોલ કરી શકી નહોતી.
એ.આર.એ.ની ઈશિતાને પ્લેયર ઑફ ફાઇનલ મેચ ઘોષિત કરવામાં આવી. શાર્પશૂટરની શિખા દેવીને ગોલકીપર ઑફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ અને મધુને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ એનાયત થયો હતો.
પુરૂષ વર્ગની ફાઇનલમાં બે સજ્જડ ટીમો બરોડા ફૂટબોલ એકેડેમી અને એ.આર.એ.ફૂટબોલ ક્લબ સામસામે ટકરાઈ. રસાકસી ભરેલી મેચમાં સ્થાનિક વડોદરાની બરોડા ફૂટબોલ એકેડેમીએ અમદાવાદની એ.આર.એ. ફૂટબોલ ક્લબને ૩ વિરુદ્ધ બે ગોલથી પરાજિત કરી. બન્ને ટીમોએ પહેલા હાફમાં એક એક ગોલ કર્યો હતો. એ.આર.એ.ની ટીમે બીજા હાફમાં પણ એક ગોલ કર્યો. પરંતુ બરોડા ફૂટબોલ એકેડેમીએ સેકન્ડ હાફમાં બે ગોલ કરીને રમત પર કાબૂ મેળવીને જીત હાસિલ કરી હતી.
પ્રથમેશને મેન ઑફ ધ મેચ, સ્ટીફન ફર્નાન્ડીઝને ગોલકીપર ઑફ ધ મેચ અને રુદ્ર છેત્રીને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ ઘોષિત કરવામાં આવ્યા હતા.
બુધવારે બન્ને વર્ગની ફાઇનલ મેચો રમાઈ ગયા બાદ ટ્રોફી વિતરણ કાર્યક્રમ વિશેષ અતિથિ ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ્ હસ્તે યોજાયો હતો.
જી.એસ.એફ.એ. વતી વાઇસ પ્રેસિડેન્ટ હનીફ જીનવાલા, સેક્રેટરી મૂળરાજ સિંહ ચુડાસમા, તથા સંદીપ દેસાઇ, દિવ્યરાજ સિંહ, જતીન ભાવસાર વગેરેએ સમગ્ર આયોજનને સફળ બનાવ્યું હતું.