જામનગરના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા ખેતીવાડી વિભાગના તજજ્ઞો દ્વારા શિબિરો યોજી પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતોથી માહિતગાર કરવા પ્રયાસ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને તેના મિઠાં ફળ મળે તે હેતુથી ગામ દિઠ ઓછામાં ઓછા ૭૫ ખેડૂતોને સાથે રાખી પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપતા વિશેષ અભિયાનનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ગુજરાત રાજ્યના સ્થાપના દિને જામનગરથી શુભારંભ કરાવવામાં આવેલ. જે અભિયાનને જામનગર જિલ્લામાં સાર્થક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર તથા બાગાયત વિભાગ તેમજ તેમની ટીમે કમર કસી છે.

જિલ્લા ખેતીવાડી અધિકારી  આર.એસ.ગોહેલ અને પ્રોજેક્ટ ડાયરેક્ટર  બી.એમ.આગઠના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આ અભિયાન વેગવંતુ બન્યું છે. મોટી સંખ્યામાં ખેડૂતો આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે અને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન મેળવી રહ્યા છે. ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળતા આ અભિયાનમાં ખેતીવાડી વિભાગના તજજ્ઞો દ્વારા ગામે ગામ જઈ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા જરૂરી માર્ગદર્શન આપી જીવામૃત, ઘન જીવામૃતનું પ્રત્યક્ષ નિદર્શન બતાવવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી કરવાથી ખર્ચમાં ઘટાડો અને ખેડૂતોની આવક બમણી કરાવવાનો આ અભિયાનનો શુભ સંકલ્પ જિલ્લામાં સુપેરે આગળ વધી રહ્યો છે.

જામનગર જિલ્લાની ૪૧૭ ગ્રામ પંચાયતોને જુદા જુદા ૪૨ ક્લસ્ટર વિભાજીત કરી પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનરો દ્વારા આજ દિન સુધીમાં ૨૮૨ તાલીમો તથા શિબિરો યોજી ૬,૯૧૪ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિથી માહિતગાર કરવામાં આવ્યાં છે. ખેડૂતો રસાયણ મુક્ત ખેતી અપનાવતા થાય તે માટે પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતો વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી રહી છે. જેમાં બીજ માવજત માટે બીજામૃત, જમીનની ફળદ્રુપતા વધારવા માટે જીવામૃત અને ઘન જીવામૃત તેમજ પ્રાકૃતિક કૃષિના અન્ય સિદ્ધાંતો જેવા કે આચ્છાદન,વાફ્સા અને જંતુનાશક અસ્ત્રો વિષે માહિતી આપવામાં આવી રહી છે.

જામનગર જિલ્લાની ગ્રામ પંચાયતોમાં પ્રાકૃતિક કૃષિની તાલીમો આગામી જુન માસમાં પણ શરૂ થઈ રહી હોય, ખેડૂત મિત્રોને આ તાલીમોમાં ભાગ લઈ પ્રાકૃતિક કૃષિ વિષે માહિતી મેળવી અને આપની જમીનમાં પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કરવામાં આવે છે.