ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગરમાં તાજેતરમાં શ્રી લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ અને લેઉવા પટેલ સમુહલગ્ન સમિતિના સંયુક્ત ઉપક્રમે 21મો સમુહલગ્નોત્સવ અને જ્ઞાતિરત્નોના સન્માનનો કાર્યક્રમ શ્રી લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ સંચાલિત નારણભાઇ માંડાભાઈ વિરાણી સમાજવાડી ખોડલગ્રીન ખાતે યોજવામાં આવ્યો હતો.
આ સમૂહલગ્નોત્સવ પૂર્વે 11 કુંડી ગાયત્રી મહાયજ્ઞનુ આયોજન આજ પાવન ભૂમિ પર થયું જેનો લાભ 44 દંપતીઓએ લીધો. લગ્ન હિન્દુ શાસ્ત્રોક વિધિથી કરાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે યોજાયેલ સ્ટેજ કાર્યક્રમની શરૂઆત વિભાપર શિશુ મંદિર વિદ્યાલયની બાળાઓએ ગણેશ વંદનાથી કરાવી હતી. આ બાળાઓ દ્વારા અલગ અલગ ૩ કૃતિઓ પણ રજુ કરવામાં આવી હતી. આ સમૂહ લગ્ન દરમિયાન રાજકીય, સામાજિક અને જ્ઞાતિ શ્રેષ્ઠિઓ સહિતના મહેમાનોનું ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતું. 21 નવદંપતીઓ ના માતા પિતાનું પણ ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. પધારેલા મહેમાનો અને સમાજ અગ્રણીઓ દ્વારા એક દીકરી લગ્ન સહયોગી દાતાઓ અને જ્ઞાતિરત્નો નું તેમજ વિવિધ ક્ષેત્રે સારી કામગીરી બજાવી હોય તેવા સેવાભાવી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમૂહલગ્ન માં જોડાયેલા નવદંપતિઓમા સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીમાં સભ્ય હોય તેને એફ.ડી. અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ સમૂહ લગ્નોત્સવમાં કુંવરબાઈનું મામેરું અને સાત ફેરા સરકારની યોજના અંતર્ગત દરેક કન્યાને રૂ.24000/-ની સહાયના ફોર્મ ભરી આપવામાં આવ્યા અને સ્થળ ઉપર મેરેજ સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યા હતા. આમંત્રિત મહેમાનો અને સમાજ અગ્રણીઓએ સમૂહ લગ્નના દાતાઓ અને સમાજવાડી બાંધકામ ના દાતાઓને બિરદાવ્યા અને આવતા દિવસોમાં સમાજ માંથી કાયમી વધુ ને વધુ સહકાર આપી આવા સારા કાર્યોમાં જોડાવા અને આ સંસ્થાને મદદરૂપ થવા અપીલ કરી હતી. આ સમૂહ લગ્ન ઉત્સવ દરમિયાન રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં પધારેલા સૌ કોઈએ બહોળી સંખ્યામાં રક્તદાન કરીને સહકાર આપ્યો હતો. આ સમૂહ લગ્નોત્સવ ને સફળ બનાવવા બહોળી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો એ જહેમત ઉઠાવી હતી.