ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ અને સાંસદ પૂનમબેન માડમ દ્વારા જામનગર તાલુકાના ધુળસીયા ગામે રૂ. 1.22 કરોડના ખર્ચે નિર્માણ પામેલા કોઝ- વે અને ધુતારપર ગામમાં રૂ. 87.89 લાખના ખર્ચે નિર્માણ પામેલા માઈનોર બ્રિજ/ સ્લેબ ડ્રેઈનના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જામનગર તાલુકામાં આવેલા ધુળસીયા ગામમાં ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ હેઠળ 295 મીટર લંબાઈનો પાકો કોઝ- વે નિર્માણ પામ્યો છે. તેમજ ધુતારપર- સુમરી- પીઠડીયા- ખારાવેઢા- અમરાપર ગામોને જોડતા રસ્તા પર ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ હેઠળ બંને બાજુ પર 10 મીટરના 1 ગાળાના પાકા માઈનોર બ્રિજ/ સ્લેબ ડ્રેઈનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સતત વિકાસ કરી રહી છે. કેન્દ્ર સરકાર ગામડાંના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. ‘સાથ, સેવા અને સહકાર’ ના આ 3 માપદંડો સાથે જામનગરમાં અવિરત વિકાસ થઈ રહ્યો છે. પાકા બ્રિજ અને કોઝ- વેનું નિર્માણ થવાથી આજુબાજુના ગામોના લોકોને ચોમાસાની ઋતુ દરમિયાન અવર- જવર કરવામાં સમસ્યા રહેશે નહીં.
ઉપરોક્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, તાલુકા પંચાયત પ્રમુખ હસમુખભાઈ ફાચરા, ગ્રામ સરપંચ ગીતાબેન ફાચરા, આગેવાન સર્વેઓ મુકુંદભાઈ સભાયા, રમેશભાઈ મુંગરા, ભરતભાઈ બોરસદીયા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર કે. બી. છૈયા તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.