ગોંડલ નેશનલ હાઇવે પર છોટા હાથી અને રીક્ષા વચ્ચે અકસ્માત, ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે ખસેડાયા

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગોંડલ : 

ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે શેમળાના પાટીયા પાસે રાત્રિના સવા નવના આસપાસ રાજકોટથી વિરપુર જઇ રહેલી રીક્ષા સાથે રોંગ સાઈડમાં આવી રહેલા છોટા હાથીએ ધડાકાભેર અથડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પોરબંદર પાસેના દેવળામાં રહેતા કાનાભાઇ ખાટાભાઇ બારૈયા, દર્શન કાનાભાઇ, ભાનુબેન કાનાભાઇ, મિલન કાનાભાઇ, દિનેશભાઇ ખાટાભાઇ, મંજુબેન દિનેશભાઇ તથા રીક્ષા ચાલક જુશબભાઇ પતાણીને ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે ગોંડલની ખાનગી વાડોદરિયા હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પોરબંદર પાસે દેવળા ગામનો બારૈયા પરિવાર ચોટીલા દર્શન કરી રાજકોટ આવ્યો હતો. ત્યાંથી વિરપુર માટે જવાનું હોવાથી રાજકોટથી જુશબભાઇની સીએનજી રીક્ષા ભાડે બાંધી વિરપુર જઇ રહ્યા હતા. જ્યાં વિરપુર જતા સમયે રીક્ષાની સામે રોંગ સાઈડમાં આવતા છોટા હાથીએ અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે રીક્ષામાં અને છોટા હાથીમાં નુકસાન થયું હતું. સાથે સાથે રીક્ષામાં સવાર તમામ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

અકસ્માતની જાણ શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશભાઇ માધડને કરાતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઈમરજન્સી વિભાગની બહાર હોસ્પિટલ સ્ટાફ સાથે ખડેપગે રહ્યા હતા અને સારવાર માટે આવેલા ઇજાગ્રસ્તોને પૂરતી વ્યસ્થા પુરી પાડી હતી. તેમજ 2 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને ગંભીર ઈજા થતા વધુ સારવાર માટે નગરપાલિકા તેમજ શિવમ સાર્વજનિક ટ્રસ્ટની બંને એમ્બ્યુલન્સ મારફત વાડોદરિયા હોસ્પિટલ ખસેડવા જહેમત ઉઠાવી હતી.

અકસ્માતની સમગ્ર ઘટનાને લઈ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ તાલુકા પોલીસને થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી હતી.

તસવીરો : ક્રિશ ટીંબડીયા, ગોંડલ