ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગરમાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજી પટેલે જામનગર મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં મહાનગરપાલિકા તથા શહેરી વિકાસ સત્તામંડળના અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રજાની સમસ્યાઓનો ત્વરિત ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરવા માટે સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જામનગરના નવા ભળેલા વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇન, રોડ-રસ્તા, ગટર, સાફ સફાઇ જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ ન રહે અને બાકી રહેલા કાર્યો ઝડપથી પૂર્ણ થાય તે પ્રકારે આયોજન હાથ ધરી કામગીરી કરવી તેમજ શહેરી વિકાસ સત્તામંડળ હસ્તકના વિસ્તારોમાં પણ લોકોને પૂરતી સુવિધાઓ મળી રહે તે દિશામાં આયોજન હાથ ધરી પ્રજાના પ્રશ્નોનો નિકાલ લાવવા માટે જે તે વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. અને 77 ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો અને તેના નિવારણ માટે ચર્ચા વિચારણા કરી હતી.
બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રા અવિરત ચાલુ રહેવી જોઈએ. અને લોકોની પ્રાથમિક જરૂરીયાતો પૂરી કરવીએ આપણી ફરજ છે. માટે શહેરના દરેક લોકોની જરૂરીયાતો સંતોષાય તે દિશામાં પગલાં લેવા અંગે જણાવ્યું હતું. તેમજ ઢોરના ડબ્બાઓમાં પશુઓના આરોગ્યની સંભાળ તથા પીવાનું પાણી અને ઘાસચારો મળી રહે અને કોઈ અગવડતા ઊભી ન થાય તે વ્યવસ્થાઓ જાળવી રાખવા ચર્ચા વિચારણા કરી હતી.
આ બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, કમિશનર ડી.એન મોદી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.