ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
આવતીકાલ તા.૧ મે ના રોજ ગુજરાત સ્થાપના દિનની રાજ્યકક્ષાની ઉજવણી જામનગરમાં કરવામાં આવશે. ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. સવારે ૧૦:૧૫ કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થશે. ત્યાંથી રાજ્યપાલ રિલાયન્સ રિફાયનરી/ રિલાયન્સ ગ્રીન્સની મુલાકાત અર્થે રવાના થશે.મુખ્યમંત્રી સવારે ૧૦:૩૦ કલાકે સત્યસાઈ વિદ્યાલય ગ્રાઉન્ડ ખાતે રૂ.૩૫૨ કરોડના કુલ ૫૫૩ વિકાસકાર્યો જેમાં ૪૪૨ કામોનું ઇ-લોકાર્પણ, ૧૨૩ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને ૮ કામોનું ઇ-ભૂમિપૂજન કરશે. ત્યારબાદ ૧૧:૩૦ કલાકે સત્યસાઈ વિદ્યાલય ગ્રાઉન્ડમાં આયોજિત શસ્ત્ર પ્રદર્શન નિહાળશે. ૧૧:૪૫ કલાકે જિલ્લા પંચાયત ચોકમાં વીર શિરોમણી મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરશે.
સાંજે ૫:૨૫ કલાકે રાજ્યપાલ તથા મુખ્યમંત્રી જિલ્લા પંચાયતની સામે આયોજિત પોલીસ પરેડમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સાંજે ૭:૦૦ કલાકે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે. આ સમગ્ર કાર્યક્રમમાં કેબીનેટમંત્રીઓ, સાંસદઓ, મહાનુભાવો, મુખ્ય સચિવ રાજકુમાર ધારાસભ્યો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી ગુજરાતના ગૌરવમય દિવસની ઉજવણીમાં સહભાગી થશે.