ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશની જનતા માટે દર મહિનાના છેલ્લા રવિવારે ટી. વી. અને રેડિયો પર ‘મન કી બાત’ નામનો કાર્યક્રમ શરુ કર્યો છે. જે અંતર્ગત, દેશભરમાં 100 મો લાઈવ એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો. મન કી બાત સૌ પ્રથમવાર 3 ઓક્ટોબર 2014 ના રોજ પ્રસારિત કરવામાં આવી હતી. જામનગરની એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ ના 100 માં એપિસોડનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
મન કી બાત દરમિયાન પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ”મન કી બાત એ કરોડો ભારતીયોની લાગણીઓની અભિવ્યક્તિ છે. મન કી બાત અનેક જન ચળવળોને ઉત્તેજિત કરવામાં ઉત્પ્રેરક રહી છે. પછી તે ચાહે ‘હર ઘર તિરંગા’ હોય કે ‘કેચ ઘી રેઈન’ હોય. મન કી બાતમાં ‘આત્મનિર્ભર ભારત’ ને પ્રોત્સાહન આપવાથી લઈને ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘સ્પેસ સ્ટાર્ટઅપ્સ’ સુધીના વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભાશાળી વ્યક્તિઓની વાર્તાઓ પ્રદર્શિત કરવામાં આવી છે.
આ કાર્યક્રમ થકી હજારો લોકો સાથે જોડાવાનો માર્ગ મળ્યો છે. આ માત્ર એક કાર્યક્રમ જ નથી, પરંતુ એક આધ્યાત્મિક પ્રવાસ છે. મન કી બાત માત્ર રેડિયો સુધી જ સીમિત ન રહેતા એક ‘પ્રેરણાદાયી પ્લેટફોર્મ’ માં પરિવર્તિત થયું છે..”
કાર્યક્રમમાં 400 જેટલા વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપરોક્ત કાર્યક્રમ જાહેર જનતા ‘નમો એપ’ પરથી પણ સાંભળી શકે છે. કાર્યક્રમમાં સંસ્થાના ડીન ડો. નંદિની દેસાઈ, અધિક ડીન ડો. એસ. એસ. ચેટરજી તેમજ અન્ય સ્ટાફ ગણ ઉપસ્થિત રહયા હતા.