ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
લાલપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટા ખડબાના ચાંદીગઢ ખાતે ઓરીના ૫ જેટલા કેસ નોંધાય હોવાથી વધારે કેસો ન નોંધાય તે માટે લાલપુર તાલુકા હેલ્થ ઓફીસર ડો.પી.ડી.પરમાર દ્વારા ગામમાં આરોગ્ય કર્મચારીની ટીમો બનાવી ઘરે ઘરે સર્વેલન્સ અને પ્રાથમિક તપાસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શાળામાં વિધાર્થીઓને રસીકરણ વિષે પ્રાથમિક માહિતી આપી ધરમપુર પ્રાથમિક શાળા ખાતે ૪૨ જેટલા બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. સાથે વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં લોકોને રસીકરણ અંગે IEC અને SBCC વર્તન પરિવર્તન અંગે માહિતી આપવામાં આવી હતી.
આ સાથે લાલપુર તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , તમામ શાળા, તમામ ગામોમાં MR રસીકરણની ઝુંબેશ ચલાવામાં આવી હતી જેમાં પ્રત્યક્ષ અને પરોક્ષ સુપર વિઝન દ્વારા ૯ મહિના થી ૧૦ વર્ષ સુધીના ૪૧૬૧ જેટલા બાળકોને ઓરી અને રૂબેલા રોગ સામે રક્ષણ અંગે રસી આપવામાં આવી હતી.
આ પ્રોગ્રામને સફળ બનાવવા શાળાના આચાર્ય અને શિક્ષકો, મેડીકલ ઓફીસરઓ, RBSK ટીમ, આરોગ્ય સ્ટાફ, આશાકાર્યકર, આશા ફેસેલીટર બહેનો તેમજ આંગણવાડી કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.