જામનગરમાં કલેક્ટરે વિવિધ મતદાન કેન્દ્રોની મુલાકાત લઈ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કામગીરીની સમીક્ષા કરી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દરેક મતદાતા પોતાના નજીકના મતદાન કેન્દ્ર ખાતે પોતાનું નામ ઉમેરવું, સુધારવું, કમી કરવું સહિતની સુવિધાઓ મેળવી શકે છે. જે અંતર્ગત જામનગર જિલ્લામાં રવિવારના રોજ ખાસ ઝુંબેશના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જે અન્વયે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બી.એ.શાહે જામનગર જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારમાં આવેલ મતદાન કેન્દ્રોની મુલાકાત લીધી હતી.અને ઉપસ્થિત બુથ લેવલ ઓફિસર્સની કામગીરી તથા મતદારયાદી સુધારણા અંગેની સમગ્ર કામગીરીની સમીક્ષા કરી હતી.તેમજ મહત્તમ યુવા મતદારોની નોંધણી મતદારયાદીમાં થાય એ માટે જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે કલેક્ટર સાથે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશિલ પરમાર, ૭૮-જામનગર ઉત્તર વિ.સ.મ.વિ.ના મતદાર નોંધણી અધિકારી અને શહેર પ્રાંત અધિકારી ડી.ડી.શાહ, ૭૯-જામનગર દક્ષિણ વિ.સ.મ.વિ.ના મતદાર નોંધણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી નિલાક્ષ મકવાણા તથા ૭૭-જામનગર ગ્રામ્ય વિ.સ.મ.વિ.ના મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી ગ્રામ્ય ધાર્મિક ડોબરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.