ગુજરાત ગૌરવ દિવસની જામનગરમાં ગૌરવમયી ઉજવણીને આપાઈ રહેલો આખરી ઓપ, અધિકારીઓએ સમીક્ષા કરી

ગુજરાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

આગામી તારીખ પહેલી મે ના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના અનેક મહાનુભવોની ઉપસ્થિતિમાં જામનગર ખાતે ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થવા જઈ રહી છે. જે સમગ્ર કાર્યક્રમને જિલ્લા વહીવટી તંત્ર તથા સંલગ્ન વિભાગો દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે.સમગ્ર કાર્યક્રમ સુચારૂ રીતે યોજાય તેમજ કાર્યક્રમ થકી જામનગરને વિશેષ ગૌરવ પ્રાપ્ત થાય તે હેતુથી સમગ્ર ઉજવણી અંગેની જરૂરી વ્યવસ્થાઓ અને તૈયારીઓની સ્થળ મુલાકાત લઇ જિલ્લા કલેકટર બી.એ.શાહ સહિતના અધિકારીઓએ સમીક્ષા કરી હતી.

ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી સાથે જોડાયેલા સ્થળો જેવા કે જામનગર એરપોર્ટ, સત્ય સાંઈ શાળા મેદાન, જિલ્લા પંચાયત ચોક ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમા, સર્કિટ હાઉસ તથા પ્રદર્શન ગ્રાઉન્ડ સહિતના સ્થળોની કલેકટર શાહે મુલાકાત લીધી હતી તેમજ આ તમામ સ્થળોએ કરવાની થતી આનુસંગિક વ્યવસ્થાઓ જેવી કે મહાનુભવોનું આગમન, સ્ટેજ,મંડપ, બેઠક તથા પાર્કિંગ વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન, શસ્ત્ર પ્રદર્શન તથા પરેડ અંગેની જરૂરી વ્યવસ્થા વગેરે બાબતોની સ્થળ પર જ ચકાસણી કરી હતી અને ઉપસ્થિત અધિકારીઓને તે અંગે જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ મુલાકાતમાં કલેક્ટરસાથે અધિક કલેક્ટર બી.એન.ખેર, પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, જિલ્લા પુરવઠા અધિકારી નિલાક્ષ મકવાણા, નાયબ પોલીસ અધિક્ષક વસાવા, કાર્યપાલક ઇજનેર કટારમલ તથા છૈયા,ઇ. નાયબ મ્યુનિસિપલ કમિશનર ભાવેશ જાની, ઇ.નાયબ માહિતી નિયામક ગોજારીયા, મામલતદાર વિરલ માકડીયા સહિતના અધિકારીઓ જોડાયા હતા.