ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગરમાં 12 જેટલા બાઈક ચોરીમાં સીટી એ. ડિવિઝન પોલીસે હોમગાર્ડ અને જી.આર.ડી જવાન સહિત 4ની ધરપકડ કરી છે. જામનગરના વસંત વાટીકા પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં બાર ચોરાઉ બાઈક રાખી તેને વેચવાની તજવીજ કરતા ચાર શખ્સ પોલીસની ગિરફતમાં આવ્યા છે. આ શખ્સોએ છેલ્લા 6 મહિનામાં બાઈક ઉઠાવ્યાની કબૂલાત આપી છે. આ ગુન્હામાં જીઆરડીના એક જવાનની પણ સંડોવણી ખૂલતા ચકચાર પ્રસરી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા વસંત વાટીકા નજીક એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં કેટલાક શખ્સો એકઠા થયા છે અને ચોરાઉ મોટરસાયકલ વેચવાની તજવીજ કરે છે તેવી બાતમી જામનગરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને મળતા પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફે આજે બપોરે વસંત વાટીકાના ખૂણા પર આવેલા રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી વસંત વાટીકામાં રહેતો દિવ્યરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે રાજભા, નંદનવન પાર્ક-રમાં રહેતો યોગીરાજસિંહ વેલુભા જાડેજા, નંદનવન સોસાયટી-૧માં રહેતો વિજયસિંહ હઠીસિંહ જાડેજા તથા નાઘેડીનો મુકેશ પાલાભાઈ માડમ ઉર્ફે કારીયો નામના ચાર શખ્સ મળી આવ્યા હતા.
આ શખ્સોએ રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રહેલા બે બુલેટ મોટરસાયકલ સહિતના બાર બાઈકના કાગળો વગેરે માગવામાં આવતા આ શખ્સો થોથવાયા હતા. તેથી ચારેયને પોલીસ મથકે ખસેડી પૂછપરછ કરાતા આ શખ્સોએ જામનગર શહેર તેમજ કનસુમરા પાટિયા, રણજીતસાગર રોડ પરથી છેલ્લા છ મહિનામાં ઉપરોક્ત બારેય બાઈક ચોર્યાની કબૂલાત આપી છે. પોલીસે બારેય મોટરસાયકલ કબજે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
કેટલાક દિવસ પહેલા જામનગરની ટ્રાફિકબ્રિગેડમાં ફરજ બજાવતા એક જવાનનું કિંમતી બાઈક ચોરાઈ ગયું હતું. તે જવાને પોતાની રીતે બાઈક કઈ તરફ ગયું તેના સગડ દબાવતા તેને બાઈકનો પત્તો લાગ્યો હતો. તે પછી તેણે એક ફોજદારને આ બાઈક અંગે વિગતો આપી હતી અને વોચ ગોઠવાઈ હતી. જેમાં બાર બાઈક ચોરીનો ભેદ ખૂલ્યો છે. ચોરીમાં સંડોવાયેલા એક આરોપી ગ્રામરક્ષક દળમાં ફરજ બજાવતા હોવાનું પણ સામે આવ્યું છે અને આ ઉપરાંત એક હોમગાર્ડ જવાની પણ આ પ્રકરણમાં સંડોવણી ખુલી છે.
હાલ તો પોલીસે હોમગાર્ડ જવાન, જી.આર.ડી અને અન્ય બે શખ્સોને 4લાખ,80હજારની કિંમતના 12 મોટરસાયકલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.