ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
આજના આધુનિક યુગમાં આજે પણ જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા લીંબુડા ગામે વડીલો દ્વારા ખેતરોમાં પરોઢિયે અખાત્રીજના અગ્નિ પ્રજ્વલિત કરી ધુમાડાની દિશા જોઈ વરસના વર્તારા ની પરંપરા યથાવત જોવા મળી રહી છે.
આજે અખાત્રીજ છે ત્યારે વડીલો આજે પણ વિજ્ઞાનના યુગમાં જુદી જુદી રીતે આવનારું વર્ષ કેવું રહેશે તેનો અંદાજ લગાવી રહ્યા છે. જામનગર જિલ્લાના જોડિયા પંથકના લીંબુડા ગામે વહેલી સવારે પરોઢિયે કેટલાક વડીલો ખેતરોમાં વર્તારા માટે આવેલા જોવા મળ્યા હતા. આ વર્ષે હોળીનો પવન દક્ષિણ થી ઉત્તર તરફ પવન વાયો હતો આવું ક્યારેય બન્યું ન હતું આંધી અને વાવાઝોડાની શક્યતા હોય તેવું ગ્રામજનોનું માનવું છે.
અખાત્રીજના દિવસે અનેક શુભ કાર્યો થતા હોય છે. ત્યારે વર્ષો પુરાની પરંપરા અનુસાર આગામી ચોમાસા ના આગમન પૂર્વે જ વર્ષ કેવું રહેશે ? તેનો વરતારો જુદી જુદી રીતે અગાઉના વડવાઓ અનુમાન લગાવતા હતા. ત્યારે જામનગર જિલ્લાના લીંબુડા ગામમાં આજે પણ વરતારો જોવાની પરંપરા યથાવત છે. આજે વહેલી સવારે પરોઢિયે વડવાઓ દ્વારા ખુલ્લા ખેતરમાં અગ્નિ પ્રજવલિત કરી તેનો ધુમાડો કઈ દિશામાં જાય છે. તે અંગે વર્તારો નક્કી કરવામાં આવ્યો છે.
આગામી વર્ષ માટે આજે વહેલી સવારે ચાર વાગ્યા થી છ વાગ્યા દરમિયાન ખેતરોમાં વડીલો દ્વારા પવનની દિશા જોઈ વર્ષ નક્કી કરવાની પરંપરા જાળવવામાં આવી છે. લીંબુડા ગામના વડીલો એ જ વહેલી સવારે જોયેલા વર્તારા અનુસાર આ વર્ષે અગ્નિના ધુમાડા ની દિશા પશ્ચિમથી પૂર્વ અગ્નિ ખૂણા તરફ જોવા મળી હતી જેને લઈને લીંબુડા ગામના ખેડૂત અગ્રણી અને વર્તારો જોરનાર વડીલ કેશવજીભાઈ રામોલિયા અને બીજી ભાઈ સોરઠીયાએ ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્કને જણાવ્યા અનુસાર આવનારું વર્ષ 50% એટલે કે, આઠઆની જેવું હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.
અગાઉ વિજ્ઞાન ની જ્યારે લોકોને સમજ ન્હોતી અને જાજી શોધ પણ ન્હોતી તેવા સમયે વડીલો કોઠા સુજથી અને સંકેતથી આવનારા વર્ષ અને જુદી જુદી બાબતો અંગે અનુમાન લગાવતા હતા. આ પરંપરા મુજબ આજે પણ છેલ્લા કેટલાય વર્ષોથી જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં ખેડૂતો આજે પણ જુની પુરાણી પરંપરાથી આવનારા વર્ષનો અંદાજો લગાવી રહ્યા છે. અને એ અંદાજા મુજબ જ વાવેતર કરતા હોય છે.
જ્યારે આજે વૈશાખ મહિનાની બીજની રાત્રિ અને અખાત્રીજના વહેલા પરોઢિયે ચારથી છ, સાડા છ દરમિયાન ખુલ્લી જગ્યામાં ખેતરોમાં ધુમાડો કરી આગામી ચોમાસાનું અને વર્ષનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે આવનારું વર્ષ 50% જેવું રહેવાનું પવનની દિશા માં ધુમાડો કઈ તરફ જાય છે તે જોઈને હાલ અંદાજ લગાવવામાં આવ્યો છે. કે, આગામી વર્ષ આઠઆની એટલે કે ૫૦ ટકા જેટલો વરસાદ થઇ શકે છે. જેને લઈને ખેડૂતો એટલે કે, ધરતીપુત્રોની ચિંતામાં થોડો વધારો થયો છે.