ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
વિધાનસભાની ચૂંટણી પહેલા જામનગરમાં ભારે ગરમાવો આવ્યો છે. આ ચૂંટણીએ શરૂઆતથી જ કેટલાયના ઘરમાં અંદરો અંદરની લગાડી દીધી છે. સૌથી મહત્વની બાબત એ છે કે, ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની રિવાબા જાડેજા ભાજપમાં પ્રવેશ્યા ત્યારથી જ તેઓ ચૂંટણી લડશે તેવી વાતો વહેતી થઈ હતી.
હાલ જામનગર 78 વિધાનસભાની બેઠક ઉપર રવિન્દ્ર જાડેજા ના પત્ની રિવાબા જાડેજા ને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. ત્યારે જ રિવાબાના નણંદ અને રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ ખૂબ મોટું નિવેદન આપ્યું છે. જેને લઈને ફરી એકવાર વિધાનસભાની ચૂંટણી પહેલા નણંદ ભાભી સામ-સામે હોય તેવી વાત સામે આવી રહી છે.
રિવાબા જાડેજા આગામી વિધાનસભાની ચૂંટણીમાં 78 જામનગર ની સીટ ઉપરથી ચૂંટણી લડે તો તેઓ આ ચૂંટણી હારે છે તેવું રિવાબા જાડેજા ના નણંદ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન તેમજ મહિલા કોંગ્રેસમાં પ્રદેશમાં મંત્રી પદ ધરાવતા નયનાબા જાડેજા નું કહેવું છે. નયનાબાના કહેવા મુજબ જામનગર 78 વિધાનસભાની સીટ હકુભા જીતી શકે છે તે પ્રબળ દાવેદાર છે. આ ઉપરાંત રિવાબા જાડેજા અહીંથી ચૂંટણી લડશે તો હારશે તેમ ઈશારો કરી જણાવ્યું હતું કે આ સીટ ઉપર કોંગ્રેસ 100 ટકા જીતી શકે છે. નયનાબાના આ નિવેદનને લઈને ભારે રાજકીય ચર્ચા જાગી છે.