ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના PM સ્વનિધિ યોજના અંતર્ગત શહેરમાં છૂટક વેપાર કરતા શહેરી શેરી ફેરીયાઓ માટે વર્ષ 2020 ની સાલમાં દેશના સંવેદનશીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીજી દ્વારા PM સ્વનિધિ યોજના અમલમાં મૂકવામાં આવી હતી જે યોજના અંતર્ગત જામનગર મહાનગરપાલિકાના UCD વિભાગ દ્વારા ફેરી પ્રવૃત્તિ કરતા ફેરિયાઓનુ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવામા આવે છે અને અલગ અલગ બેંક મારફત લોન આપવામાં આવે છે.
જામનગર મહાનગરપાલિકાની UCD બ્રાન્ચ દ્વારા ફેરી પ્રવૃત્તિ કરી ગુજરાન ચલાવતા વર્ગ માટે વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લે તેવા આશયથી સમયાંતરે જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડી દ્વારા બેંકો સાથે મીટીંગ યોજવામાં આવે છે, જામનગર મહાનગરપાલિકામાં વસવાટ કરતા શહેરી શેરી ફેરીયાઓને યુસીડી વિભાગ દ્વારા અપાતી ₹10,000 ની લોન નો 5493 શેરી ફેરિયાઓએ લાભ લીધો છે, PM સ્વનિધિ યોજના અંતર્ગત ₹20,000 ની લોન નો 1094 ફેરીયાઓએ લાભ લીધો છે, અને ઉપરોક્ત બંને લોનનું સમયસર ચુકવણું કરનાર ફેરી પ્રવૃત્તિ કરનારને આ યોજના અંતર્ગત ₹50,000 ની લોન સરકાર દ્વારા આપવામાં આવે છે જેનો જામનગરમાં વસવાટ કરતા 33 ફેરીયાઓને લોન આપવામાં આવી છે જામનગર મહાનગરપાલિકા દ્વારા કુલ 84.18% ફેરી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓને PM સ્વનિધિ યોજના અંતર્ગત લાભાનવિત કરવામાં આવ્યા છે.
જામનગર મહાનગરપાલિકામાં નવાગામ ઘેડમાં વસવાટ કરતા અને શાકભાજીનું વેચાણ કરી ફેરી પ્રવૃત્તિ કરતા મંગુબેન મનસુખભાઈ કંટારીયાને આ યોજના અંતર્ગત તાજેતરમાં રૂપિયા 50000 ની લોન આ યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવી છે આ અગાઉ મંગુબેને ₹10,000 ની લોન લીધી હતી. જેનું તેઓએ નિયત સમય મર્યાદામાં ચુકવણું કરતા તેમને બેંક દ્વારા રૂપિયા 20,000 ની લોન આપવામાં આવી હતી. જે પણ તેઓએ સમયસર ભરપાઈ કરી હતી આથી તેમને PM સ્વનિધિ યોજના અંતર્ગત સરકાર દ્વારા રૂપિયા 50,000 ની લોન મંજૂર કરવામાં આવી છે તેઓને તાજેતરમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળા દરમિયાન માન. કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી PM સ્વનિધિ ના મેનેજર વિપુલ વ્યાસ અને પૂનમ ભગત દ્વારા કરવામાં આવી હતી.