પ્રધાનમંત્રી મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જામ્યુકો દ્વારા આયુષ્યમાન કાર્ડ વિતરણ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ વિતરણ નો કાર્યક્રમ ઓશવાળ સેન્ટર ખાતે મેયર બીનાબેન કોઠારી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

કાર્યક્રમની રૂપરેખા અનુસાર આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો મહેમાનોનું સ્વાગત ઔષધીય છોડથી કરવામાં આવ્યું હતું. મહેમાનોનું શાબ્દિક સ્વાગત હેલ્થ વિભાગના ડોક્ટર ગોરી સાહેબે કર્યું હતું.

આ કાર્યક્રમના અધ્યક્ષ મેયર બીનાબેન કોઠારી એ પોતાના પ્રસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આ યોજનામાં જોડાયેલ તમામ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં રૂપિયા પાંચ (5) લાખ સુધીની પ્રાથમિક સેકન્ડરી અને ટરશરી સારવાર આપવામાં આવે છે કાન , નાક ,ગળા ના રોગો આંખ, અને સ્ત્રી રોગ તેમજ માનસિક રોગ અને હૃદય રોગ કિડની રોગ સહિતની સારવાર આ યોજના હેઠળ નોંધાયેલા પરિવારોને વિનામૂલ્યે મળવા પાત્ર છે, કોરોનાના સમયમાં ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોને અનાજ સહિતની ચીજ વસ્તુઓ સરકાર દ્વારા આપવામાં આવી હતી ,તેવી જ રીતે કેન્દ્રની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર અને ગુજરાત રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો આરોગ્યની સવલતો થી વંચિતના રહે તે માટે પીએમજેવાય – માં યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂઆત કરવામાં આવી છે જે યોજના અંતર્ગત 800 થી વધુ હોસ્પિટલો સાથે ગુજરાત સરકારે એમ.ઓ.યુ. કર્યા છે, હવે સરકાર જન -જન સુધી પહોંચી છે એટલે ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોએ આરોગ્ય વિષયક ખર્ચ માટે ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાત સરકાર દ્વારા પ્રસુતા મહિલાઓ અને બાળકો માટે પણ અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.

જામનગર જિલ્લાની વાત કરીએ તો પીએમજેવાય-માં યોજના હેઠળ કુલ 3,26,553 ઈ કાર્ડ એનરોલમેન્ટ થઈ ગયેલ છે, જામનગર જિલ્લામાં પીએમજેવાય- માં યોજનાના પીવીસી કાર્ડ રાજ્ય કક્ષાએથી 1, 26,798 આપવામાં આવ્યા છે જે તમામ સરકારના આદેશ અનુસાર જિલ્લામાંથી તાલુકા કક્ષાએ પહોંચતા કર્યા છે, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જિલ્લાના એક લાખ 1,17,678 લાભાર્થીઓને યોજના હેઠળ 197.80 કરોડનો નિ:શુલ્ક સારવારનો લાભ મળી ચૂક્યો છે, આ યોજના હેઠળ જામનગર જિલ્લામાં કુલ 212 કોમન સર્વિસ સેન્ટરો તથા જિલ્લાના તમામ ઇ-ગ્રામ સેન્ટરો તેમજ જિલ્લાની તમામ સરકારી અને જોડાયેલા તમામ ખાનગી હોસ્પિટલો માં યોજનાની કામગીરી હાલ ચાલુ છે.

આ કાર્યક્રમમાં મેયર ના પ્રસંગિક પ્રવચન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જામનગરની જનતાને સંબોધન કર્યું હતું ત્યારબાદ જામનગર ના લાભાર્થીઓને ઉપસ્થિત મહેમાનઓ દ્વારાઆયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા અને ₹4 લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા પરિવારને આયુષ્યમાન ભારત PMJY – માં યોજનાનો લાભ મળી શકે છે, લાભાર્થીએ પોતાનું આધાર કાર્ડ રાશનકાર્ડ અને આવકનું પ્રમાણપત્ર સાથે લઈને યોજના સાથે જોડાયેલી હોસ્પિટલે જવાનું રહેશે, તેમજ કોમન સર્વિસ સેન્ટર અને તમામ ગ્રામ પંચાયત કચેરીના વી.સી.ઇ. ઓપરેટર અને રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલ સેન્ટર પરથી આ કાર્ડ મેળવી શકાશે.

આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઇ ગોસરાણી, આરોગ્ય સમિતિના ચેરમેન ડિમ્પલબેન રાવલ, જામનગર મહાનગર પાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી, નાયબ કમિશનર ભાવેશ જાની, આસિસ્ટન્ટ કમિશનર કોમલબેન પટેલ, આરોગ્ય વિભાગના અધ્યક્ષ સુભાષ પ્રજાપતિ, ગોરી , પંચાલ, કોર્પોરેટર પ્રભાબેન ગોરેચા, ક્રિષ્નાબેન સોઢા, મુકેશ માતંગ , પરાગ પટેલ સહિતના જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્યો આરોગ્ય વિભાગના ડોક્ટરો કાર્યકરો તેમજ બહોળા પ્રમાણમાં જામનગરના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.