કૃષિમંત્રી રાઘવજી પટેલે શિશાંગમાં પુસ્તકાલય, પ્રાર્થનાખંડનું લોકાર્પણ કર્યું, વિજરખીમાં પણ કોમ્યુનિટી હોલનું ખાતમુહુર્ત કર્યું

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાધવજીભાઇ પટેલના હસ્તે જામનગર તાલુકાના વિજરખી ગામમાં કોમ્યુનિટી હોલનું ખાતમુહર્ત તેમજ કાલાવડ તાલુકાના શિશાંગ ગામમાં રૂ. 17 લાખથી વધુના ખર્ચે નિર્માણ પામેલ પ્રાર્થનાખંડ અને પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શિશાંગ ગામના રહેવાસી સ્વ. ગીતાબાની યાદમાં તેમના પતિ અજિતસિંહે શિશાંગ પ્રાથમિક શાળામાં નિર્માણ પામેલ પ્રાર્થનાખંડ તેમજ પુસ્તકાલય માટે દાન અર્પણ કર્યું છે.

કાર્યક્રમમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, ગામમાં એક શિક્ષિત-સમજદાર વ્યક્તિ પોતાને પણ તારે છે તેમજ સમગ્ર સમાજને પણ તારે છે. આજે આ શિક્ષણનો મહાયજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે તેમાં ગામના દાતા અજિતસિંહે તેમના સ્વર્ગસ્થ પત્નીની યાદ કાયમ રહે તે માટે આટલું ઉત્તમ દાન આપીને ગામનું નામ રોશન કર્યું છે. રાજ્ય સરકાર સતત ‘સર્વ શિક્ષા અભિયાન’ માટે કટિબદ્ધ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ માળખાગત સુવિધાઓને લગતા કામો ત્વરિત થઈ રહ્યા છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ’ના સૂત્રને રાજ્ય સરકાર સતત સાર્થક કરી રહી છે. છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવો એ આપણી રાજ્ય સરકારની પ્રાથમિકતા છે.

આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જાડેજાભાઈ, નગર પાલિકા પ્રમુખ અજમલભાઈ ગઢવી, તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ ડાંગરીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન યુવરાજસિંહ જાડેજા, તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ રવિન્દ્રસિંહ જાડેજા, આગેવાન સર્વઓ છગનભાઇ, સંજયભાઈ ડાંગરીયા, હસુભાઈ વોરા, રાજુભાઈ ગારવીયા, આચાર્યઓ, શિક્ષકઓ, વિદ્યાર્થીઓ, આજુબાજુના ગામોમાંથી પધારેલા વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.