જામનગરમાં લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સરગમ નવરાત્રીનું ભવ્ય આયોજન, પત્રકાર પરિષદમાં આયોજનની આછેરી ઝલક અપાઈ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં લોટેસ્ટ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સરગમ નવરાત્રી મહોત્સવના આયોજન પૂર્વે આયોજકો દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી.

જામનગરમાં અનેકવિધ સામાજિક સેવાકિય પ્રવૃત્તિઓ કરી રહેલ લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતની આગવી ઓળખ સમાન રાસ ગરબાના વારસાનું જતન કરીને પ્રાચીનતમ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ગરબા મહોત્સવ સરગમ નવરાત્રી મહોત્સવનું જાજરમાન અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ ગરબા મહોત્સવના આયોજન અંગે જાણકારી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં આયોજકોના જણાવ્યા પ્રમાણે જામનગર શહેરની મધ્યમાં વિશાળ પ્રદર્શન ગ્રાઉન્ડમાં તા. ૨૬-૯-૨૨ થી તા. ૫-૧૦-૨૨ સુધી દરરોજ રાત્રે ૮-૩૦ થી રાત્રે ૧૨ વાગ્યા સુધી બાળાઓ આપણાં પરંપરાગત રાસ ગરબા રજુ કરશે.

આ આયોજનમાં ૬૦ બાય ૬૦ ફૂટનું વિશાળ સ્ટેજ બનાવાયું છે. પાંચ અલગ અલગ ગ્રુપમાં ૧૪૬ બાળાઓ દ્વારા દરરોજ ૨૫ જેટલી રાસ-ગરબાની કૃતિઓ રજુ કરવામાં આવશે. દરેક ગ્રુપને અલગથી ટ્રેડીશ્નલ ડ્રેસ-ચણીયા ચોળી આપવામાં આવ્યા છે.

આ તમામ બાળાઓ ૧૦ થી ૨૧ વર્ષની વયની છે અને તેમને છેલ્લા દોઢ મહિનાથી કોરીયોગ્રાફરો વૈશાલી સંઘવી, લાજેશ પંડ્યા, દર્શનાબેન પંડ્યા દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.

આ ગરબા મહોત્સવ નિહાળવા માટે કોઈ પ્રવેશ ફી નથી. તેમજ સુચારૂ પાર્કિંગ વ્યવસ્થામાં પાર્કિંગનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.

આમંત્રિતો, મહાનુભાવો તેમજ જાહેર જનતા માટે છ હજાર જેટલી સોફા-ખુરશીની બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે. મેદાન બહાર, પાર્કિંગના સ્થળ તેમજ મહોત્સવના અંદરના ભાગ માટે ખાનગી સીક્યોરીટીનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

સમગ્ર નવરાત્રિ મહોત્સવનું જય કેબલ દ્વારા લાઈવ પ્રચારણ કરવામાં આવશે તેમજ ઈન્ટરનેટ દ્વારા જોઈ શકાશે. હાસ્ય કલાકાર વસંત પરેશ બંધુ મહોત્સવ દરમ્યાન હાસ્ય સાથે મનોરંજન કરાવશે.

આ મહોત્સવના ‘માડી નારા ઘોર નગારા વાગે, મોર બની થનગાટ કરે, મુંબઈ મેલડી રાજસ્થાની પધારો મારે દેશ, ગણેશ સ્તુતિ, દુર્ગા સ્તુતિની કૃતિઓ વિશેષ આકર્ષણરૃપ બની રહેશે. લોટસ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શૈલેષભાઈ પટેલ, ભરતભાઈ ઢોલરીયા, બિપિનભાઈ સોરઠીયા, જમનભાઈ બાબીયા, સંજયભાઈ સુદાણી, અરવિંદભાઈ કોડીનારીયા, હેમતભાઈ દોમડીયા, નવરાત્રી કન્વીનરો રાજન મુંગરા, હસમુખભાઈ રાબડીયા, ભાવેશભાઈ કાનાણી, ચેતનભાઈ ઢોલરીયા, સુભાષભાઈ ઘાડીયા, પ્રફુલ્લભાઈ લીંબાસીયા તેમજ વ્યવસ્થા સમિતિમાં ૫૧ ભાઈઓ અને ૫૧ બહેનોની ટીમ વ્યવસ્થા સંભાળી રહ્યા છે.

ખાસ આકર્ષણ :- આ નવરાત્રિ મહોત્સવમાં ૭૫૬ ચો. ફૂટનું વિશાળ ૩ ડી મેપીંગ એલઈડી સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગરબા મહોત્સવ દરેક સ્થળેથી પ્રેક્ષકો જોઈ શકે તે માટે બે અન્ય વિશાળ સ્ક્રીન ગોઠવવામાં આવ્યા છે.