દેશના ખ્યાતનામ સિતારવાદક પંડિત નયન ઘોષજીની ઉપસ્થિતમાં ‘સ્પીકમેકે’ સંસ્થા દ્વારા શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રૃંખલા

દેશ-વિદેશ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં સોસાયટી ફોર ધ પ્રમોશન ઓફ ઈન્ડિયન ક્લાસીકલ મ્યુઝિક એન્ડ કલ્ચર એમન્ગસ્ટ યુથ (સ્પીકમેકે) નામની ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે કાર્યરત રાષ્ટ્રીય સંસ્થા દ્વારા શાસ્ત્રીય વાદનના કાર્યક્રમોનું શૈક્ષણિક સંસ્થાઓમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના ખ્યાતનામ સિતારવાદક પંડિત નયન ઘોષે ગત તા. ૪,૫,૬ સપ્ટેમ્બર દરમ્યાન શહેરની અલગ અલગ શાળાઓમાં કુલ છ જેટલા કાર્યક્રમો આપ્યા હતા.

આ અંગે વધુ વિગતો આપતાં સ્પીકમેકે સંસ્થાના જામનગર કેન્દ્ર સંયોજક જયેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ શ્રૃંખલા લેકડેમ પ્રકારની રહી હતી.લેકડેમ એટલે કે ‘નિદર્શન અને પ્રદર્શન’ પ્રણાલી. સંગીતના તજજ્ઞો કે સંગીતના રસીકો માટે યોજાતા કાર્યક્રમોથી થોડી અલગ શૈલી લેક્ડેમમાં હોય છે. અહી વિદ્યાર્થી સમૂહના પ્રાથમિક સ્તરને ધ્યાને રાખીને કલા રજૂ કરવાની હોય છે. કલાકાર પોતાના વાદ્ય વિષે પ્રાથમિક જાણકારી આપે છે, સૂર કે તાલનો નાદ કઇ રીતે ઉત્પન્ન થાય છે તેની સમજ આપે છે, તેમજ પ્રસ્તુત થનારા રાગ અને તાલની પણ ઓળખ કરાવે છે. કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી પણ યોજે છે.

કાર્યક્રમની શરૂઆતમાં જે તે સમય પ્રમાણે રાગની પસંદગી કરીને તેઓ આલાપ રજૂ કરતાં તે પછી તાલ સાથે રાગની બાંધણી કરીને મધ્યલયમાં રાગનો બહુ સરસ વિસ્તાર કરતા અને આખું વાતાવરણ સંગીતમય બની જતું. ત્યારબાદ દ્રુતલયમાં રાગનો સંપૂર્ણ પરિચય સાંપડતો હતો.

જામનગરના અલગ અલગ છ શૈક્ષણિક સંકુલોને પંડિત નયન ઘોષના સિતારવાદનનો આસ્વાદ માણવા મળ્યો, જેમાં કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ, સત્યસાઈ વિદ્યાલય, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, સૈનિક સ્કૂલ-બાલાચડી, નંદ વિદ્યા નિકેતન તથા આઈ.એન.એસ. વાલસુરાનો સમાવેશ થાય છે.