ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
ગુજરાત સરકાર દ્વારા તા.12 અને તા.13 સપ્ટેમ્બરના રોજ વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમનું દરેક જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.12 સપ્ટેમ્બરના રોજ રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાલાવડ નગરપાલિકા હોલ ખાતે પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મંત્રીના હસ્તે જામનગર અને કાલાવડ તાલુકાના વિસ્તારોમાં રૂ 8 કરોડની રકમના વિકાસકાર્યોનાં ઈ-લોકાર્પણ અને ઈ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જેમાં રૂ.7.09 કરોડની રકમના 272 વિકાસકાર્યોનું ઈ- ખાતમુહૂર્ત અને રૂ.66 લાખની રકમના 57 વિકાસકાર્યોનું ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જનતાની સુખાકારી માટે વિકાસના અવિરત કર્યો કરવામાં આવી રહ્યા છે. વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં વિકાસકાર્યો નાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. અને દેશના વિકસિત અર્થતંત્રને વધુ વેગવંતુ બનાવવા માટે ગુજરાત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. જામનગર અને કાલાવડ તાલુકાના લોકોને વિવિધ વિકાસ કાર્યોની ભેંટ મળતા જનતાની સુખાકારીમાં ઉમેરો થશે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની ડબલ એન્જિન સરકાર લોકોના વિશ્વાસને સાથે રાખીને વિકાસના અવિરત કાર્યો કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ સરકારે કરેલા કાર્યોની વિશ્વભરમાં નોંધ લેવાઈ છે. ખેડૂત, મહિલા, બાળકો, આરોગ્ય, શિક્ષણ, વીજળી, ઔધોગિક જેવા ક્ષેત્રોમાં વિકાસના અનેક કર્યો થઈ રહ્યા છે. છેવાડાના માનવીને પણ મદદરૂપ થઈને સરકાર લોકોપયોગી કાર્યો કરી રહી છે. અને લોકોની સુખાકારીમાં વધારો થયો છે. તમામ વર્ગના લોકોને સાથે રાખીને કાર્યો કરવા એ સરકારની નેમ છે. ત્યારે જામનગર જિલ્લાને પણ અનેક વિકાસકાર્યો ભેંટ મળવાથી લોકોને ફાયદો થશે.
આ કાર્યક્રમમાં મહાનુભાવોનું કઠોળની કીટ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ “વિશ્વાસ થી વિકાસ” અંગેની ફિલ્મ નિહાળી હતી.
આ કાર્યક્રમમાં કલેકટર ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગોમતીબેન ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ ડાંગરિયા, હસમુખભાઈ ફાચરા, કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ, હસુભાઈ વોરા, અજમલભાઈ, જામનગર (ગ્રામ્ય) પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, કાલાવડ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી ગોહિલ, અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હરીદેવ ગઢવી અને શ્વેતા ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.