કૃષિમંત્રી રાઘવજી પટેલે બાણુગર થી સ્ટેટ હાઇવેને જોડતા રોડના રિસરફેસ અને સ્લેબ ડ્રેઈનના કામોનું ખાતમુહૂર્ત કર્યા

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાજ્યના કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના નાની બાણુગર થી સ્ટેટ હાઇવે અને મોટી બાણુગર થી સ્ટેટ હાઇવેને જોડતા રોડના રિસફેસિંગ અને સ્લેબ ડ્રેઈનના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. સરકારદ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે ૫૪.૯૭ લાખના ખર્ચે નાની બાણુગર થી સ્ટેટ હાઇવે સુધીના રોડના રિસરફેસનું કામ થશે ત્યારે ૧.૫૭ કરોડના ખર્ચે મોટી બાણુગર થી સ્ટેટ હાઇવેને જોડતા રોડ પર ૭ મીટરના ૬ ગાળાનું સ્લેબ ડ્રેઈન નું કામ થશે.

આ બને રસ્તાના કામો પૂર્ણ થયે નાની બાણુગર ગામને નવા બનેલા રસ્તાનો લાભ મળતા તેમની અગડવતામાં ઘટાડો થશે અને મોટી બાણુગર ગામને નવો રસ્તો તૈયાર થતા ગામના વાડી વિસ્તારમાં રહેતા લોકોને ચોમાસામાં પડતી મુશ્કેલી દૂર થશે.

આ ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, ગામ લોકો અને ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે સરકાર હંમેશા તત્પર રહે છે. સરકારની નેમ છે ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં સિંચાઇના પાણીની સગવડ વધુ નથી ત્યાં વરસાદના વધારેમાં વધારે પાણીનો સંગ્રહ થાય તેવા કામોને હાથ ધરવા અને તે દિશામાં સરકાર દિવસ રાત કામ કરી રહી છે.ગામડું સુખી થશે તો શહેર,રાજ્ય અને દેશ સુખી થશે તે વાતને ધ્યાનમાં લઈને ગામડામાં વધુમાં વધુ વિકાસ કામો થાય તે માટે સરકાર હંમેશા પ્રગતિશીલ રહે છે.મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે ગામ થી સ્ટેટ હાઇવે જોડતા રોડના વિકાસ કામો થવાથી લોકો શહેર સાથે સહેલાઈથી જોડાય શકે છે.આ રસ્તાઓના નિર્માણ થવાથી લોકોની મુશ્કેલી દૂર થાય છે અને લોકોને શહેર તથા રાજ્યની વધારે નજીક લાવે છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણછોડભાઈ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબેન ભેંસદડિયા, નંદલાલભાઈ, તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ મુકુંદભાઈ સભાયા, તાલુકા પંચાયત જામનગરના ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ માંડવીયા, હાપા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર દેવરાજભાઈ, ભાજપ યુવા મોરચાના હોદેદારો ગિરિરાજ સિંહ જાડેજા, વિશાલભાઈ ઘાટોડિયા, સરપંચ સર્વેમોટી બાણુગાર, નાની બાણુગર, રામપર, જાંબુડા, આલિયા, ગ્રામ આગેવાનો તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.