ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગર શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ દૂર કરવા જામનગર મહાનગરપાલિકા તથા પોલિસ ડીપાર્ટમેન્ટના સંયુકત ૪-ટીમો મારફત સતત રાત-દિવસ ત્રણ શિફટમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઢોરો પકડવાની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જેમાં આજરોજ ૭ ઢોરોને પકડવામાં આવેલ છે, તેમજ ચાલુ વર્ષે કુલ-૧૫૩૮ ઢોરોને પકડવામાં આવેલ છે અને કુલ-૭૪પ ઢોરોને અમદાવાદ સ્થિત શ્રી ગોપાલ કૃષ્ણ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવેલ છે.
આગામી સમયમાં આ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવનાર હોય, ઢોર માલિકોને પોતાના માલિકીના ઢોરો જાહેર રોડ રસ્તા ઉપર ન છોડવા તાકીદ કરવામાં આવે છે. જો કોઈ ઢોર માલિક સ્વૈચ્છાએ પોતાની માલિકીના ઢોરોને જામનગર મહાનગરપાલિકા હસ્તકના ઢોર ડબા ખાતે મુકવા માંગતા હશે તો તેઓને વિના મુલ્યે આ સેવા ઉપલબ્ધ કરવામાં આવશે. વધુમાં જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેરમાં ઘાસચારો વેંચાણ કરવા માટે પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ઉપરાંત લીલો કે સુકો ઘાસચારો ખવડાવવો અથવા ખવડાવવા દેવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આથી જે પણ કોઈ વ્યકિત જાહેરમાં ઘાસચારો વેંચાણ કરતા અથવા તો ઘાસચારો નાંખતા માલુમ પડશે તો તેઓની સામે જાહેરમાં ત્રાસદાયી કૃત્ય કરવાની શિક્ષાને પાત્ર થશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા જણાવાયું છે.