ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ મહોત્સવને ધ્યાને રાખીને શહેરમાં બે જગ્યાએ મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ ગણેશ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. કુંડ મા વિઘ્નહર્તાની પ્રતિમા નું વિસર્જન કોર્પોરેશન દ્વારા નક્કી કરેલા નિયમ મુજબ બંને સ્થળો પર જ કરી શકાશે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ બાદ મૂર્તિ વિસર્જન માટે વિઘ્નહર્તાની પ્રતિમાનું ખંડન ન થાય તેમજ ધાર્મિક આસ્થા ને હાનિ ન પહોંચે તે માટે પ્રતિવર્ષ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવે છે આ વર્ષે પણ રાજકોટ હાઈવે સ્કોડા ના શોરૂમ પાસે ટીપી સ્કીમ પ્લોટ નંબર 47 અને ટીપી સ્કીમ પ્લોટ નંબર 67/1 રાધિકા સ્કૂલ થી હાપા માર્કેટિંગ યાર્ડ પાસે ગણેશ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. આ બંને જગ્યાએ ગણેશ વિસર્જન કુંડ ની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવેલ છે.
વિધ્નહર્તાના વિસર્જન નિમિત્તે યોગ્ય વ્યવસ્થા જળવાઈ તેની તકેદારી રાખીને જામનગર મહાનગરપાલિકા દ્વારા કુંડમાં ગણેશજીનું વિસર્જન જામનગર મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા જ કરવામાં આવશેે. જાહેર જનતાએ કુંડમાં જવાનો આગ્રહ રાખવો નહીં જેની સર્વે ગણેશ વિસર્જન કરવા આવનાર મંડળો- સંસ્થાઓ અને જાહેર જનતાએ નોંધ લેવી, તેમજ ગણેશ વિસર્જન કોર્પોરેશન દ્વારા નક્કી કરાયેલ કૃત્રિમ કુંડમાં જ કરવાનું રહેશેે. અન્ય જગ્યાઓ પર ગણેશ વિસર્જન કરવું નહીં. તેમ જામનગર મહાનગરપાલિકા વતી અમૃતા ગોરેચાની યાદીમાં જણાવ્યું છે.