કૃષિમંત્રી રાઘવજી પટેલે મતવા ગામને જોડતા ચાર કોઝવેનું ખાતમુહૂર્ત કર્યું

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીરાઘવજીભાઈ પટેલના હસ્તે મતવા ગામને જોડતા ચાર કોઝ-વેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે અન્વયે સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મતવા ટુ હનુમાન મંદિર રસ્તે રૂ.૩૦ લાખ, મતવા ટુ ઓલ્ડ ધુતારપર રસ્તે રૂ.૩૦ લાખ, મતવા ટુ નાની માટલી રસ્તે રૂ.૩૦ લાખ તેમજ મતવા ટુ જોઇન સ્ટેટ હાઇવે માટે રૂ.૧૧૦ લાખ તેમજ અલગ અલગ જગ્યાઓ પર ૧૨૦૦ એમએમના પાઈપની હરોળના કોઝવેની તથા સ્લેબ ડ્રેન કામગીરીની જોગવાઈ કરવામાં આવી છે. આમ મતવા ગામને સ્ટેટ હાઇવે તેમજ અન્ય ગામડાઓને જોડતા કોઝવેનું આગામી સમયમાં રૂ.૨ કરોડના ખર્ચે નિર્માણ થવાથી લોકોને વધુ સુવિધાઓ મળી રહેશે.

આ પ્રસંગે કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે કોઝવે નિર્માણ પામવાથી આજુબાજુના ગામડાઓના લોકોને તથા વાડી વિસ્તારના રહીશોને કોઝવેનો લાભ મળશે. સરકારદ્વારા લોકોની પ્રાથમિક સુવિધાઓને પહોંચી વળવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. ગામડાઓમાં પણ શહેરોની મારફતે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જેથી કરીને ખેડૂતોને કોઈ પ્રકારની અગવડતા ન પડે. દેશના ખેડૂતો આત્મનિર્ભર બને તે દિશામાં કૃષિ વિભાગ કામ કરી રહ્યું છે. દરિયામાં જતુ વરસાદી પાણી અટકાવીને સરકારના પ્રયાસોથી ગામડાઓમાં ડેમ, તળવોના નિર્માણ થઈ રહ્યા છે. આ સંગ્રહિત પાણીનો ખેડૂતો સિંચાઇ માટે ઉપયોગ કરી શકશે.

આ કાર્યક્રમમાં પ્રદેશ કારોબારી ચેરમેન ડૉ. વિનુભાઈ ભંડેરી, તાલુકા પંચાયતના પ્રમુખ હસમુખભાઇ ફાચરા, તાલુકા પંચાયતના સદસ્ય ભાનુબેન, રામભાઇ, ઘનશ્યામભાઈ, જેઠાભાઇ, જીતુભાઈ, મનહરભાઈ, છગનભાઈ ધામેલિયા, વલ્લભભાઈ સંઘાણી, આજુબાજુના ગામના સરપંચઓ, આગેવાનઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.