ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાદી ઉત્સવમાં જોડાયા, અમદાવાદમાં જાજરમાન અટલ બ્રિજનું લોકાર્પણ

દેશ-વિદેશ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ :

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ ખાતે વિશ્વના સોથી મોટા ખાદી ઉત્સવમાં જણાવ્યું કે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાના અવસરે સાબરમતીના કાંઠે 7500 ખાદી કારીગરોએ એકસાથે ચરખા પર સૂતર કાંતીને નવો ઇતિહાસ રચ્યો છે.

વડાપ્રધાન એ ખાદીની મહત્તા વર્ણવતા જણાવ્યું હતુ કે, આજે વિશ્વ આખામાં ટકાઉ જીવનની વાત ચાલે છે તેવા સમયે ખાદી સસ્ટેનેબલ ક્લોધિંગ પુરવાર થાય તેમ છે. સાથે સાથે ખાદીએ ઇકો ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ ક્લોધિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

સાબરમતીના તટ ખાતે ખાદી ઉત્સવમાં 7500 જેટલા ખાદી કારીગરોએ એકસાથે ચરખો કાંત્યો હતો. જ્યારે વડાપ્રધાનએ બારડોલી સત્યાગ્રહમાં ઉપયોગમાં લેવાયેલ ચરખો કાંતીને પ્રેરણાત્મક સંદેશો પાઠવીને ખાદી કારીગરો સાથે સંવાદ સાધ્યો હતો.

વડાપ્રધાન એ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવીન કાર્યાલય ભવનનું પણ ઇ-લોકાર્પણ કરીને પ્રજાજનોની સેવામાં અર્પણ કર્યું હતુ.

વડાપ્રધાનએ અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રંટ ખાતે રૂ. 74 કરોડના ખર્ચે નવનિર્મિત આઇકોનિક અટલ બ્રીજનું ઈ- લોકાર્પણ કરીને અમદાવાદીઓને નવા નઝરાણાની ભેટ ધરી હતી. તેમણે સાબરમતી રિવરફ્રંટ પર નવનિર્મિત અટલ બ્રિજ સાબરમતી નદી કે નદીના બે કિનારાને જોડવા ઉપરાંત ડિઝાઇન અને ઇનોવેશનમાં અભૂતપૂર્વ હોવાનું જણાવી અટલજી અને ગુજરાતના પ્રસિદ્ધ પતંગ મહોત્વનું સમન્વય હોવાનું પણ ઉમેર્યું હતુ.

અટલ બ્રિજનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતુ કે, વર્ષ 1996માં અટલજી ગાંધીનગર લોકસભાની ચૂંટણી જંગી બહુમતીથી જીત્યા હતા . આ બ્રિજના નિર્માણ દ્વારા અટલજીને ભાવભિની શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

તેમણે જણાવ્યુ હતુ કે, વિશ્વમાં વધુ તાપમાન ધરાવતા દેશમાં ખાદી શ્રેષ્ઠ વસ્ત્ર પુરવાર થાય તેમ છે ત્યારે વિશ્વના ગ્લોબલ માર્કેટમાં ખાદીની ઊંચી માંગ છે તેને પગલે ખાદી સાથે જોડાયેલા લોકો માટે વિશાળ તકો સર્જાવાની છે. ખાદી આજે લોકલથી ગ્લોબલના પથ પર આગળ વધી ચૂકી હોવાનું તેમણે કહ્યું હતુ.

વડાપ્રધાનએ ખાદીને વૈશ્વિક બનાવવાની પહેલ કરતા અનુરોધ કર્યો હતો કે, રાજ્ય અને દેશના લોકો આગામી તહેવારોમાં ખાદી ગ્રામોદ્યોગ દ્વારા બનાવાયેલા ઉત્પાદનો ઉપહાર તરીકે અન્યને ભેટ સ્વરૂપે આપે તે સમયની માંગ છે, એટલું જ નહીં વિદેશ જતા લોકો પણ ખાદીના ઉત્પાદનો ભેટ તરીકે સાથે લઇ જાય તે પણ જરૂરી છે, તેનાથી વિદેશની ધરતી પર ખાદી વધુ પ્રચલિત બનશે.

જે દેશ પોતાનો ઇતિહાસ ભૂલે છે તે દેશ નવો ઇતિહાસ રચી શકતો નથી તેનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે, ખાદી આપણી વિરાસતનું અભિન્ન અંગ છે. ત્યારે કેન્દ્ર સરકારે ખાદીના પ્રોત્સાહન માટે અનેક પ્રયાસો હાથ ધર્યા છે. ગુજરાત સરકાર પણ તે જ દિશામાં આગળ વધી રહી છે તે પ્રશંસનીય છે.

વડાપ્રધાન એ આ પ્રસંગે સ્વયંમ ચરખો કાંત્યા બાદ જણાવ્યું હતું કે, ચરખો કાંતવાની ક્ષણ મને મારા બાળપણમાં લઇ જાય છે. તેમણે કહ્યું હતુ કે,મારા માતાજી પણ આર્થિક ઉપાર્જન માટે સૂતર કાંતતા હતા તે દૃશ્યોનું આજે મને પુન:સ્મરણ થયું છે. સુતર કાંતણને યૌગિક આરાધના સાથે સરખાવતા તેમણે કહ્યું કે, ભક્ત જેમ ભગવાનની પૂજા કરવા જે સામગ્રીનો ઉપયોગ કરે છે તે જ રીતે સુતર કાંતણ એવી જ સાધના છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં દેશની ધડકન બનેલા ચરખાનું કાંતણ જેવા સ્પંદનનો અનુભવ સાબરમતીના તટ પર થયો છે.

સુતરનો તાંતણો આઝાદીના આંદોલનની તાકાત બન્યો હોવાનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, એક ખાદીના તારે ગુલામીની જંજીરો તોડી નાંખી હતી. એ જ તાંતણો આજે વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત નિર્માણનો પ્રેરણાસ્ત્રોત બનશે.

ખાદી આપણી પરંપરાગત શક્તિ છે. આજે યોજાયેલ ખાદી ઉત્સવ સ્વાતંત્ર્ય આંદોલનના ઇતિહાસને પુનર્જીવત કરવાની પ્રેરણા આપનાર છે. આજે સાબમરતીના તટે ખાદી ઉત્સવ દ્વારા વિકસિત ભારત, ગુલામીની માનસિકતાનો સંપૂર્ણ ત્યાગ, વિરાસત પર ગૌરવ, રાષ્ટ્રીય એકતા વધારવાનો પૂર્ણ પ્રયાસ અને દરેક નાગરિકનું કર્તવ્ય એમ પંચ પ્રાણ સાથે જોડનારો બન્યો છે.

ખાદીને જીવંત બનાવવાનું કામ ગુજરાતે કર્યું હોવાનું ઉલ્લેખ કરી તેમણે કહ્યું હતું કે, અગાઉ “ગુજરાતમાં ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશન”નો સંકલ્પ લીધો હતો. આજે તેમાં ‘ખાદી ફોર ટ્રાન્સફોર્મેશન’ને જોડ્યું છે જેનો વિશ્વ સ્તરે પ્રતિસાદ મળી રહ્યો છે.

દેશભરમાં ખાદી સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા સરકાર કટિબદ્ધ હોવાનું કહી તેમણે આજે દેશના ટોપ ફેશન બ્રાન્ડ ખાદી સાથે જોડાઇ રહ્યાં હોવાનું ઉમેર્યું હતું.

જેના સંદર્ભમાં તેમણે કહ્યું કે, 8 વર્ષમાં ખાદીના વેચાણમાં 4 ગણો વધારો થયો છે. ખાદી ગ્રામોદ્યોગનું ટર્નઓવર 1 લાખ કરોડને આંબી ગયું છે. જેને પગલે ગામડાઓમાં રોજગાર વધ્યો છે. મહિલાઓનું સશક્તિકરણ થયું છે. 8 વર્ષમાં ખાદી અને ગ્રામોદ્યોગમાં 1.75 કરોડ નવા રોજગારનું સર્જન થયું છે. ગુજરાતમાં ગ્રીન ખાદી અભિયાન દ્વારા ખાદી કારીગરોને સોલર ચરખાથી ખાદી બનાવવાની પહેલ અનુકરણીય છે. ગુજરાત આ ક્ષેત્રે પણ દેશને પથપ્રદર્શન કરવા સક્ષમ છે.

ગુજરાતમાં બહેનોમાં ઉદ્યમિતાની ભાવના રહેલી હોવાનું જણાવી એક દશક પહેલા બહેનોના સશક્તિકરણ માટે શરૂ કરાયેલ મિશન મંગલમ હેઠળ આજે 2 લાખ 60 હજારથી વધુ સ્વસહાય જૂથો બન્યા છે. જેમાં 26 લાખથી વધુ ગ્રામીણ મહિલાઓ જોડાઇને ડબલ એન્જિન સરકારની ડબલ મદદથી સશક્ત બની છે. દેશની મહિલાઓ મહત્તમ સંખ્યામાં રોજગારમાં જોડાય તે માટે મુદ્રા યોજનાનો લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.

વડાપ્રધાનએ સરકારના પ્રયાસોથી ટોય ઇન્ડ્રસ્ટ્રીઝ મજબૂત બની રહી હોવાનો ઉલ્લેખ કરી જણાવ્યુ કે, આજે દેશમાં વિદેશી રમકડાની માંગ ઘટી છે અને સ્વદેશી રમકડા વિશ્વભરમાં છવાયા છે જેનો લાભ નાના કારીગરોને મળી રહ્યો છે . જેના પરિણામે દેશમાં હેન્ડીક્રાફ્ટ ઉધોગ વિકસ્યો છે જેમાં 2 લાખ જેટલા કારીગરો જેમ પોર્ટલ સાથે જોડાયા છે.

ગુજરાત સાથે સમગ્ર દેશે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમૃત મહોત્સવની ઉજવણી કરી, આ ઉજવણી અંતર્ગત ગુજરાતમાં પણ હર ઘર તિરંગા અભિયાનને લઇને લોકોમાં ઉત્સાહ અને ઉમંગ સાથે તિરંગા રેલી, પ્રભાતફેરી દ્વારા રાષ્ટ્રભક્તિનો જુવાળ ઉમટયો અને વિકસિત ભારતના નિર્માણનો લોકોએ સંકલ્પ પણ કર્યો. આ જ સંકલ્પ આજે ખાદી ઉત્સવમાં પણ દેખાઇ રહ્યો હોવાનું જણાવી ચરખા કાંતનારા કારીગરોના હાથમાં ભાવિ ભારતના નિર્માણની ડોર હોવાનું જણાવ્યું હતું.

વડાપ્રધાનએ દૂરદર્શન દ્વારા નિર્મિત “સ્વરાજ ટી.વી. શ્રેણી”નો ઉલ્લેખ કરતા કહ્યું કે, સ્વાભિમાન , બલિદાન અને સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલી વાતોને વિસ્તારપૂર્વક આ શ્રેણીમાં દર્શાવવામાં આવી છે.

આ શ્રેણી આપણા પૂર્વજોની રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રચેતના અને સ્વાવલંબનનો ભાવ દેશમાં વધતો રહે તેવા પ્રયાસોને આગળ ધપાવવા સૌને સહયોગી બની પૂરી શક્તિ અને કર્તવ્યભાવથી આગળ વધવા અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આખો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ, સ્વતંત્રતાના-સ્વરાજ્યના ૭પ વર્ષ ઉજવી અમૃતકાળમાં પ્રવેશી રહ્યો છે. દેશની સ્વતંત્રતા માટેનો આઝાદીનો જંગ ગુજરાતના સપૂત મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અહિંસક આંદોલન તરીકે ઇતિહાસમાં અમર થઇ ગયો છે.

મહાત્મા ગાંધીજીએ સ્વરાજની ભાવના જનજનમાં જગાડી અને ખાદી-સુતરના તાંતણે દેશવાસીઓને એકજૂટ કર્યા. એટલું જ નહીં, ગાંધીજીએ ચરખાને, અંત્યોદયથી સર્વોદયને સાકાર કરવાનું માધ્યમ પણ બનાવ્યો હતો.

ગાંધી, ખાદી, ચરખો અને સાબરમતીનો પરસ્પર અતૂટ નાતો હોવાનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીએ સુતરને તાંતણે-ખાદીના સહારે સ્વરાજ્ય અપાવ્યું. આજે ખાદી, વણાટ અને કાંતણ સાથે જોડાયેલા સાડા સાત હજાર જેટલા કારીગરોએ અંબર-ચરખો ચલાવી ગાંધી યુગના સંભારણા તાજા કર્યા છે.

આઝાદીના અમૃતકાળમાં આપણે એક આત્મનિર્ભર, શક્તિશાળી દેશ તરીકે વડાપ્રધાનના નેતૃત્વમાં વિશ્વમાં આગળ વધી રહ્યા છીએ. ભારતે વિશ્વને સ્વરાજ્યથી સુરાજ્યની એક નવી કાર્યસંસ્કૃતિ બતાવી છે. દેશમાં હવે ખાદી કલ્ચર આકાર પામ્યું છે. આઝાદી મેળવવામાં મહત્વના માધ્યમ એવા ખાદી અને ખાદી ગ્રામોદ્યોગ ક્ષેત્ર આઝાદી પછી દશકો સુધી ઉપેક્ષિત રહ્યા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દેશમાં ખાદી ઉદ્યોગને રિફોર્મ અને રિવાઈવ કરવાના અનેક સફળ પ્રયાસ થયા છે.

વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે ખાદીના ઉત્પાદન અને વેચાણને પ્રોત્સાહન આપવા અનેક નવતર પગલા લીધા હોવાનું જણાવી ડબલ એન્જીન સરકારથી મળતો લાભ ગુજરાતના આવા નાના-મોટા કુટિર ઉદ્યોગો, કારીગરો, અંત્યોદય સૌને મળે છે. રાજ્યમાં ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ ૧૫ હજાર જેટલા કારીગરોને ઘરેબેઠાં અંબર ચરખા અને હાથશાળ મારફતે રોજગારી પૂરી પાડે છે.

ગુજરાતમાં ખાદીના કારીગરોની સંખ્યા ર૦ હજાર જેટલી છે, ત્યારે રાજ્ય સરકાર ખાદી કાંતનાર-વણનાર કારીગરોને વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય ચૂકવે છે. આ યોજનાઓના પરિણામે ખાદીનું ઉત્પાદન રૂ. ૩૯ કરોડ વધીને રૂ. ર૦૬ કરોડનું થયુ છે. ખાદીનું વેચાણ વધે તે માટે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ખાદીની ખરીદી પર વળતરનો લાભ પણ આપીએ છે.

છેલ્લા ૨૦ વર્ષમાં રાજ્યમાં ખાદીનું વેચાણ રૂ. ૩૮ કરોડથી વધીને રૂ. ૩૬૭ કરોડે પહોંચ્યું છે. ખાદી આપણી વિરાસત છે અને આપણે સૌએ તેનું ગૌરવ ગાન કરવાનું છે.સાથે સાથે ખાદીની આ વિરાસત ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં પણ અતિ ઉપયોગી નિવડવાની છે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

આ વર્ષે સાબરમતી રિવરફ્રન્ટની શરૂઆતનો પ્રથમ સફળ દાયકો પૂર્ણ થયો છે. વડાપ્રધાનના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજનું લોકાર્પણ થતા રિવરફ્રન્ટની યશકલગીમાં એક નવું મોરપિંછ ઉમેરાયું છે.

કુટીર રાજ્યમંત્રી જગદીશભાઇ વિશ્વકર્માએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખાદીએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. જેના થકી જ આત્મગૌરવ અને સ્વદેશી ચળવળની શરૂઆત થઇ હતી. નરેન્દ્રભાઇ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખાદીના પ્રચાર માટે તેઓ સ્વયં ખાદીની ખરીદી કરતી નવીન પહેલ હાથ ધરી હતી જેના પરિણામે આજની યુવા પેઢીએ ખાદીને સહજ રીતે સ્વીકારી છે તેમ મંત્રી એ ઉમેર્યુ હતુ.

ખાદી ઉત્સવ કાર્યક્રમમાં સાસંદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, અમદાવાદ શહેર મેયર કિરિટભાઇ પરમાર,ખાદી બોર્ડના ચેરમેન મનોજકુમાર ગોયેલ, સાસંદઓ, કેબિનેટ મંત્રી ઓ, રાજ્ય મંત્રીઓ, મુખ્ય સચિવ પંકજ કુમાર, અમદાવાદ મ્યુનિસીપલ કમિશ્નર લોચન શહેરા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીગણ- અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.