ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગર મહાનગરપાલિકાના U.C.D. વિભાગ માં અસંગઠિત શ્રમયોગી કામદારો માટે વિનામૂલ્યે ઈ- શ્રમ કાર્ડ નોંધણી કરી આપવામાં આવશે તેમ કમિશનર વિજય કુમાર ખરાડી ની સૂચનાથી નિર્ણય લેવામાં આવ્યો છે.
ઈ- શ્રમ કાર્ડના જામનગર મહાનગરપાલિકાના નોડલ ઓફિસર જીગ્નેશ નિર્મલ દ્વારા જે.એમ.સી.ના મીડિયા વિભાગના ઇન્ચાર્જ અમૃતા ગોરેચાને વિગતો આપતા જણાવ્યું હતું કે, જામનગરના અસંગઠિત અને શ્રમયોગી કામદારો જેમની ઉંમર 16 થી 60 વર્ષ સુધીની હોય અને જેઓ આવકવેરો ન ચૂકવતા હોય તેમજ જેમને પી.એફ. નો લાભ ન મળતો હોય તેવા તમામ શ્રમિકોને જામનગર મહાનગરપાલિકાના યુ.સી.ડી. વિભાગમાં તા. 29/8/2022 થી31/8/ 2022ના રોજ ત્રિ દિવસીય કેમ્પનું સવારે 11:00 વાગ્યાથી 6:00 વાગ્યા સુધી ઈ – શ્રમ કાર્ડ નું રજીસ્ટ્રેશન કરવા નું આયોજન કરવામાં આવ્યું છે ,તેમજ નજીકના કોમન સર્વિસ સેન્ટર પ્રજાપતિ સમાજ વાડી જામનગર, ગુલાબનગર ઋષિ કોમ્પલેક્ષ પહેલા માળે, ધરાનગર બેડી બંદર રોડ , કાલાવડ નાકા સામે અમન સોસાયટી csc સેન્ટર પર જાહેર જનતા વિનામૂલ્યે ઈ- શ્રમની નોંધણી નિયમિત રીતે સવારે 11:00 થી 6:00 સુધીમાં કરાવી શકશે, અન્યથા ઇ – ગ્રામ સેન્ટર પર જઈ અરજદાર નોંધણી કરાવી શકે છે, મોબાઈલ પર અરજદાર જાતે આ વેબસાઈટ www.esharm.gov.in પર જઈ નોંધ કરાવી શકે છે, ઇ- શ્રમ કાર્ડ મેળવવા માટે આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે જોડાણ થયેલ મોબાઈલ નંબર તેમજ બેંક પાસબુક સહિતના અરજદારના ડોક્યુમેન્ટ સાથે રાખવા જરૂરી છે.
ઇ- શ્રમ કાર્ડ સમગ્ર ભારતમાં સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલ કાર્ડ માનવામાં આવે છે આ કાર્ડ ધરાવનાર શ્રમિકને અકસ્માતથી મૃત્યુના કિસ્સામાં રૂપિયા 2 લાખનું વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે , તેમજ આંશિક અપંગતાના કિસ્સામાં શ્રમિકને રૂપિયા 1 લાખ સુધીની સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે. આ સમગ્ર કામગીરી કમિશનર વિજયકુમાર ખરાડી , ડેપ્યુટી કમિશનર ભાવેશભાઈ જાની, નોડલ ઓફિસર જીગ્નેશ નિર્મલ અને યુસીડી વિભાગના પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ યુ.સી.ડી. વિભાગના તમામ મેનેજરો ઈ-શ્રમ કાર્ડ ની નોંધણીની કામગીરી નું આયોજન કરી રહ્યા છે.
-
ઇ- શ્રમ કાર્ડ કોણ મેળવી શકે છે? :-
આ ઇ- શ્રમ કાર્ડ ખેત શ્રમિકો, પશુપાલકો ,આરોગ્ય સેવકો, આશાવર્કર ,આંગણવાડી વર્કર, સફાઈ કામદાર ,મધ્યાહન ભોજન ના કામદાર ,રમકડા બનાવનાર, વેલ્ડીંગ કામ કરનાર ,બુટ પોલીસ કરનાર ,હેર ડ્રેસિંગ કે લોન્ડ્રી કામ કરનાર, માટીકામના મજૂરો, નાના ઉદ્યોગકારો, રીક્ષા ચાલક વાહનચાલક ,દરજીકામ ,બાંધકામ કરનાર શ્રમિકો, ફેરિયા-હાથલારી ચલાવનાર , શાકભાજી વેચનાર, કારખાનામાં મજૂરી કામ કરનાર , લારી કે ગલ્લા ચલાવનાર સહિતના મજૂરીકામ સાથે સંકળાયેલા અસંગઠિત કામદારો આ કાર્ડ કઢાવી સરકાર દ્વારા મળવાપાત્ર લાભ મેળવી શકે છે.