કૃષિ મંત્રી રાઘવજી પટેલે રૂ.1.54 કરોડના ખર્ચે બનનાર જાંબુડા-ખીજડીયા રોડનું ખાતમુહૂર્ત કર્યું

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે રૂ. 1.54 કરોડના ખર્ચે નિર્મિત થનાર જાંબુડા ગામને ખીજડીયા ગામ સાથે જોડતા ડામર રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે દરિયાકાંઠાના ગામોને જોડતા આ રોડના નિર્માણથી બંન્ને ગામોના ખેડૂતો તથા લોકોને ખૂબ ફાયદો થશે.આ રસ્તો બને તે માટે ગ્રામજનોની વારંવારની રજૂઆત હતી જે સરકારે ગ્રાહ્ય રાખી રૂ.1.54 કરોડના ખર્ચે આ કામને મંજૂરી આપી ગ્રામજનોની સુવિધામાં ઉમેરો કર્યો છે.મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અતિવૃષ્ટિમાં નુકશાન પામેલ રોડ, નાળા, ચેકડેમ, પુલ, તળાવો વગેરેના કામો સત્વરે પૂર્ણ થાય તે માટે સરકારે ખાસ ઝુંબેશના ભાગરૂપે કામગીરી હાથ ધરી સ્થિતિ પૂર્વવત કરી છે.તેમજ ખેડૂતો સમૃદ્ધ થાય તે માટે ટેકાના ભાવે મહત્તમ ભાવ મંજુર કરી ખેડૂતની જણસની કરી સરકાર ખેડૂતોની પડખે ઉભી રહી છે.

આ તકે મંત્રીએ ગ્રામજનોના પ્રશ્નો તેમજ રજૂઆતો સાંભળી હતી તેમજ જરૂરી ચર્ચા કરી ગ્રામજનોની રજૂઆત પરત્વે સત્વરે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.તેમજ ઉપસ્થિત સૌ કોઈને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા પંચાયત સદસ્ય નંદલાલભાઈ ભેંસદળીયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ માંડવીયા, તાલુકા સંઘના પ્રમુખ મુકુંદભાઈ સભાયા, કાર્યપાલક ઇજનેર છૈયા તેમજ ખીજડીયા, નાની બાણુગર, શેખપાટ, મોટીબાણુગર, જાંબુડા, ધુવાવ વગેરે ગામોના સરપંચઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.