ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર :
ગુજરાત રાજ્યના રાજકારણમાં ફરી ફેરફાર જોવા મળે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નવા બનેલા મંત્રી મંડળમાં સિનિયર મંત્રી ગણાતા રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગ આંચકી લેવાયા બાદ હજી પણ કેટલાક મંત્રીઓ પર પસ્તાળ પડી શકે છે.
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે.ત્યારે જ મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના તમામ મંત્રીઓને હોદ્દાઓ આંચકી લઈને નવા ચહેરા તરીકે ભુપેન્દ્ર પટેલ અને બધા નવા ચહેરા મંત્રી મંડળમાં મુકાયા બાદ તાજેતરમાં જ દિલ્હીથી પ્રદેશ ભાજપના ટોચના નેતાઓને આવેલા એક અગત્યના ફોન કોલ્સ બાદ બે મંત્રીઓના વિભાગો આંચકી લેવાયા હોવાનું મનાઇ રહ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ હજી પણ કેન્દ્રના મવડી મંડળના નિશાને કેટલાક મંત્રીઓ હોય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.
ભાજપમાં ગમે ત્યારે, અને ગમે ત્યાં કંઈ પણ નિર્ણયો લેવાય શકે છે. તે માટે ભાજપમાં તમામ નેતાઓથી માંડીને કાર્યકરોમાં ફફડાટ છે. અને તેથી જ ભાજપમાં ઉપરથી માંડીને નીચે સુધી તમામ લોકો શિસ્તમાં રહે છે.
આવનારા સમયમાં કેટલાક સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાતના મંત્રી મંડળના મંત્રીઓ ઉપર કેન્દ્રીય નેતાઓ સમીક્ષા કરી આકરો નિર્ણય મોકલે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે ગાંધીનગરમાં હવે કોનું પતું કપાશે તેને લઇને ચર્ચાનું બજાર ગરમ થયું છે.