કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતમાં ધ્રોલના ભૂચરમોરીમાં 31માં શહીદ શ્રધ્ધાંજલી સમારોહમાં યુવાનોએ રચ્યો ઇતિહાસ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલ ઐતિહાસિક શહિદભૂમી ભૂચરમોરી ખાતે ૩૧મો ભુચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહ કેન્દ્રિય જળશકિત મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણનાં મંત્રીકિર્તીસિંહ વાઘેલા તેમજ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભૂચરમોરી ખાતે ખેલાયેલા આશરા ધર્મના યુદ્ધ દરમિયાન રાજપૂત સહિત અનેક જ્ઞાતિના વીર શહીદ થયા હતાં. જેને હાલાર પંથકના રાજપૂત સમાજ દ્વારા શ્રધ્ધાંજલી આપવામાં આવે છે. જેના ભાગરૂપે છેલ્લા ૩૦ વર્ષથી ભુચરમોરી શહીદ સ્મારક સમિતિ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવે છે.

આજે શીતળા સાતમના રોજ ધ્રોલ ભૂચરમોરી ખાતે ૩૧માં ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહમાં ૫૦૦૦ રાજપૂત યુવાઓએ સવારે ૧૦ વાગ્યાથી ૧૧ મિનિટ સુધી તલવારબાજી કરી “વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ્ લંડન” માં સ્થાન મેળવવા બદલ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની નરિક્ષણ ટીમના અશ્વિન ત્રિવેદી દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં કેન્દ્રીય જળશક્તી મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, ભૂચરમોરી ની આ પવિત્ર ધરતી પર દેશ અને ધર્મ કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર શહીદોને હું નમન કરું છું. આ ધરતીની માટી પર શહીદોનું લોહી રેડાતા ચંદન બની છે. સૌરાષ્ટ્રની આ ધરતી પર વીર યોદ્ધાઓની ગાથા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આજે ૫૦૦૦ યુવાઓએ તલવારબાજી થી વિશ્વ રેકોર્ડ સર્જ્યો તે એ વાતની પ્રતીતિ કરાવે છે કે યુવાનો દેશ માટે બલિદાન આપવા આજે પણ તૈયાર છે. સૌરાષ્ટ્રની આ ધરતીના અનેક વીર યોદ્ધાઓ દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છે. ભૂચર મોરીની ઘરા, ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી, સોમનાથનું મંદિર આ સ્થળોએ ધર્મનો વિજય થયો છે. કેન્દ્રીય મંત્રી એ વધુમાં ચારે યુગનું વર્ણન કરી દેશના વીર યોદ્ધાઓનું વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બાળક જન્મ લે ત્યારથી જ માતા તેને પારણામાં જુલવતી વખતે શૌર્યગાથાઓ સંભળાવે છે. અને અભિમન્યુ જેવા વીર યોદ્ધાઓએએ તો માતાના ગર્ભમાં જ ધર્મનું રક્ષણ કરવાની સમજ કેળવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણાં દેશનો સતત વિકાસ થઈ રહ્યો છે. દેશના પરિવર્તનમાં અનેક વીરોનું પણ યોગદાન રહેલું છે.

પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પોતાના પ્રાણોની પરવાહ કર્યા વગર ભૂચરમોરીની ઘરા પર બલિદાન આપ્યું છે તે શહીદોને નમન. છેલ્લા ૩૦ વર્ષથી આ જગ્યા પર શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે સમારોહના આયોજનમાં હજારો રાજપૂત યુવાઓ ઉપસ્થિત રહે છે. અને ૩૧માં શ્રધ્ધાંજલી સમારોહમાં ૫૦૦૦ યુવાઓના તલવાર રાસથી નવો રેકોર્ડ સર્જાયો છે. તે બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન.

આ સમારોહમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મંત્રી આઇ. કે. જાડેજા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય ગીતાબા જાડેજા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, મેનેજિંગ ટ્રસ્ટી પી.ટી. જાડેજા, મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.