જામનગર જિલ્લામાં લમ્પી વાયરસને નિયંત્રિત કરવા વેકસીનેશન અભિયાન તેજ, 4 દિવસમાં 100%વેક્સિન માટે એક્શન પ્લાન

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લામાં ગૌપશુધનમાં ફેલાયેલા લમ્પી વાયરસને કાબૂમાં લેવા માટે જિલ્લાના રોગગ્રસ્ત પશુધનને આ રોગની તાત્કાલીક સારવાર ઉપલબ્ધ થાય તેમજ ચેપી રોગના ફેલાવાને અટકાવવા માટે કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારીની સુપરવીઝનમાં જિલ્લાના પશુ ડોકટર તથા અન્ય સંલગ્ન અધિકારીઓની ટીમ દ્વારા આજથી 4 દિવસ રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં જિલ્લાના 100% ગૌપશુધનનું રસીકરણ કરવામાં આવશે.

જામનગર જિલ્લાના 417 ગામડામાં ગાય વર્ગના પશુધનની અંદાજીત સંખ્યા 1,38,176 છે તે પૈકી હાલની સ્થિતિએ આ રોગથી અસરગ્રસ્ત પશુઓની સંખ્યા 3315 છે જે તમામ પશુઓને જિલ્લા કક્ષાની ટીમ દ્વારા તાત્કાલીક સારવાર આપવામાં આવી છે. આ ચેપી રોગના ફેલાવાને અટકાવવા માટે 64,182 પશુધનને રસીકરણ દ્વારા સુરક્ષીત કરવામાં આવ્યા છે.

જામનગર જિલ્લાના લાયઝનિંગ ઓફિસર અને નાયબ પશુપાલન નિયામક ડૉ. અમિતભાઈ કાનાણી એ જણાવ્યું હતું કે, લમ્પી સ્કિન ડીસીઝ રસીકરણ ઝુંબેશને વિશેષ વેગ આપવા માટે તથા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગાય વર્ગના પશુધનના રસીકરણની કામગીરી 100% પૂર્ણ કરવાના ઉદેશ્ય સાથે આજથી 4 દિવસ સુધી શરૂ થયેલ વેકસીનેશન અભિયાનમાં પશુઓની વિશેષ કાળજી તેમજ સુરક્ષાને પ્રાધાન્ય આપી કામધેનુ યુનિવર્સિટીમાંથી 4 મદદનીશ પ્રાધ્યપકો, 5 અનુસ્નાતક ડોકટરો અને 32 સ્નાતક ડોકટરોની ટીમને જામનગર જિલ્લામાં મોકલવામાં આવ્યા છે. હાલ પશુઓની સારવાર માટે 25 પશુ એમ્બ્યુલન્સ પણ કાર્યરત છે. આ અભિયાનમાં દરેક ગામડાઓને આવરી લેવામાં આવશે.