ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગરમાં કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા મહાનગરપાલિકાના બે ડોક્ટરો વચ્ચેની ઓડિયો ક્લિપ જાહેર કરી વેક્સિનની જગ્યાએ પાણી અપાતા ના આક્ષેપ કર્યા બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું. તાત્કાલિક અસરથી જામનગર મહાનગરપાલિકામાં કરાર આધારિત ફરજ બજાવતા પશુ ડોક્ટરને ફરજમાં બેદરકારી બદલ તાત્કાલિક અસરથી કરાર રદ કરી ને ફરજ મુક્ત કરી દેવામાં આવ્યા છે.
જામનગરમાં લમ્પી રોગચાળો કાળો કેર વર્તાવી રહ્યો છે. અને આ વાયરસમાં ગાયો મોત ના મુખ માં ધકેલાઈ રહી.છે. જ્યારે મહાનગરપાલિકા દ્વારા પશુ ડોક્ટર તરીકે એમ. એમ. ગોધાણી ને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લેવા માં આવ્યા હતા. પરંતુ આ ડોક્ટરે પોતાની ફરજમાં બેદરકારી દાખવી હતી. અને અન્ય પશુ ડોક્ટરને રસી ખલાસ થઈ હોવા ના કારણે ખાલી પાણી ભરેલા ઇન્જેક્શન ગાય ને આપી દેવાની સૂચના આપી હતી તેવા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયા છે અને ઓડિયો ક્લિપ પણ જાહેર કરાય છે. જેની ઓડિયો ક્લિપ વાયરલ થતા જ મ્યુનિ.કમિશનર વિજય કુમાર ખરાડી દ્વારા તપાસના આદેશ અપાયા હતા. અને ડેપ્યુટી કમિશનર એ.કે. વસતાણીને આ અંગેની તપાસ પણ સોંપાઈ હતી ત્યારે તાત્કાલિક અસરથી પશુ ચિકિત્સા ડો. એમ એમ ગોધાણી નો કરાર રદ કરીને તેમને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે.
ડો. મહેન્દ્ર ગોધાણી સૌપ્રથમ સમગ્ર મુદ્દે બોલ્યા, મને રાજકીય ષડયંત્રનો ભોગ બનાવવામાં આવ્યો હોઈ શકે છે.
ગુરુવારે જામનગર મહાનગર પાલિકાના પશુ ડોક્ટર મહેન્દ્ર ગોધાણીને ઓડિયો ક્લિપ વાયરલ બાદ કરાયા પછી સૌપ્રથમ વખત તેઓએ ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક સમક્ષ વાત કરતા જણાવ્યું છે કે, મને રાજકીય ષડયંત્રનો ભોગ બનાવવામાં આવતો હોય તેવું મને લાગી રહ્યું છે. મારા જુનિયર સહાયક તબીબ સાથેની વાતચીત તેમને કોંગ્રેસના નેતાઓને આપી હશે. આ અંગે તટસ્થ તપાસ થવી જોઈએ અને મેં તેમને અગાઉ દવા સાથે મિશ્રણ કરી રસી કેમ અપાય તે અંગે માહિતગાર કર્યા હતા. અને હું જ્યારે ફિલ્ડમાં હતો ત્યારે મને ફોન આવ્યો હતો જેથી મેં એને ટૂંકમાં કહ્યું હતું કે, કેવી રીતે મિશ્રણ કરી રસીકરણ કરવાનું હોય છે. પરંતુ તેને અર્થનો અનર્થ કરી જૂની ઓડિયો ક્લિપ રજૂ કરી હશે.
હું આ અંગે ત્રટસ્થ તપાસની માગણી કરું છું. અને મેં લમ્પી વાયરસના રોગચારા દરમિયાન 5000 થી વધુ ગાયોના વેક્સિન કર્યા છે. અને તમામ કામગીરીને અંતે મને ન્યાય મળવો જોઈએ. તેવું ફરજ મુક્ત કરાયેલા પશુ ડો. મહેન્દ્ર ગોધાણીએ કહ્યું હતું.