61 વર્ષિય શિક્ષકે શોખને સેવામાં પરિવર્તિત કર્યો, પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને નવો રાહ ચિંધ્યો

ગુજરાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, હિંમતનગર : (નિરવ જોશી)

સાબલવાડના ધરતીપુત્રએ ખેતીના શોખને સેવામાં પરિવર્તિત કર્યો છે. ૬૧ વર્ષિય નિવૃત શિક્ષકે પ્રાકૃતિક ખેતી દ્રારા ખેડૂતોને નવો રાહ ચિંધ્યો છે. કમલમની સાથે અન્ય ફળ પાકોની પ્રાકૃતિક ખેતી થકી ત્રણ વર્ષમાં બમણું ઉત્પાદન મેળવ્યું છે. સાબરકાંઠા જિલ્લાના ઇડરના સાબલવાડના ૬૧ વર્ષિય નિવૃત શિક્ષક કાન્તિભાઇ પટેલે પોતાની નિવૃતિને પ્રવૃતિમાં બદલવા પ્રાકૃતિક ખેતીને અપનાવી કુદરતની સેવાનો યજ્ઞ આરંભ્યો છે. પ્રાકૃતિક પધ્ધતિથી કમલમ (ડ્રેગન ફ્રૂટ)ની ખેતી અને અન્ય શાકભાજીનુ વાવેતર કરે છે.

કાંતિભાઇ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતીની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ઇડરના ગાંઠીયોલ મુકામે એક દિવસીય મુલાકાત યોજાઇ હતી. આ મુલાકાત પ્રસંગે ખેડૂતો દ્રારા તેમના અભિપ્રાયો આપવામાં આવી રહ્યા હતા ત્યારે એક મહિલા ખેડૂતે હદયસ્પર્શિ વાત કરી, “ તમે મંદિર જાઓ છો, હું મંદિર નથી જતી, તમે લોકોને ઝેર ખવડાવો છો, હું અન્ન ખવડાવું છું.” આ વાતથી મને ખરેખર આઘાત લાગ્યો અને નક્કિ કર્યું કે હવે કોઇ પણ પ્રકારના રસાયણીક ખાતર,દવા કે બીયારણ વાપરવા નથી. માત્રને માત્ર પ્રકૃતિની સેવા અને માનવજાતની સેવા કરવી છે. ઓછુ મળશે તો ચાલશે પણ પાપ નથી કરવું.

વધુમાં તેઓ જણાવે છે કે, આ મુલાકાત પછી તેમણે સુભાષ પાલેકરજી દ્વારા અમદાવાદ ખાતે તાલીમ લઇ આ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. ત્યારે આ કમલમની ખેતી અંગે જાણવા મળ્યું કે આ ખેતીમાં પાણી ઓછુ અને ઉત્પાદન વધુ છે.

કમલમ ખેતી અંગે તેમણે જણાવ્યું કે, જ્યારે તેમણે આ ખેતી અંગે ઘરે ચર્ચા કરી તો તેનો ખર્ચ જાણી પહેલા જ ના પાડી દીધી પરંતુ બીજા ખેડૂતોના ખેતરોની મુલાકાત લીધી પછી આ ખેતી કરવાનો નિશ્ચય મજબૂત થયો. આ ખેતી માટે સરકાર સબસીડી પણ આપે છે પરંતુ હું સરકારી કર્મચારી હતો અને આજે પેંશનર છું આ કામ મારી જરૂરીયાત નથી પરંતુ શોખ છે માટે સરકારની સબસીડી ના લઈ કોઇ જરૂરીયાતવાળાને મળે તે વિચારી સબસીડી જતી કરી મે પોતાના ખર્ચે બે એકરમાં થાંભલા લગાવ્યા. એક થાંભલા ઉપર ચાર છોડ થાય છે એવા મારા ખેતરમાં હાલ ૧૧૦૦ થાંભલા છે એટલે કે ૪૪૦૦ કમલમના છેડ છે. આ એક છોડ પરથી છ થી સાત કિલો ફળ ઉત્યાદન મેળવી શકાય છે. આ છોડ મેં અલગ અલગ સમય અંતરે વાવ્યા છે કેટલાક છોડનો હજુ વિકાસ થઈ રહ્યો છે. પ્રથમ વર્ષ ફળની શરૂઆત થઈ ત્યારે ઓછુ ઉત્પાદન મળ્યું બીજા વર્ષે ૧૦૦૦ કિલો અને આ વર્ષે લગભગ ૪ થી ૫ હજાર કિલો ઉત્પાદનની ગણતરી છે.

આ છોડ થોર પ્રજાતિનો છે તેના ફૂલ આવ્યા પછી ૪૫ દિવસમાં એ ફળ પાકીને તૈયાર થાય છે. આ કમલમની કિંમત બજાર કિંમત રૂ.૨૫૦ પ્રતિ કિ.ગ્રા.છે. જ્યારે હું મારા ખેતરેથી ૧૫૦ રૂ. પ્રતિ કિ.ગ્રા. વેચાણ કરૂં છે. ઘરે બેઠા છુટક લોકો અને હોલસેલ વેપારી લઈ જાય છે. મુંબઇ પણ વેપારી મંગાવે ત્યારે મોકલી આપું છું. જેમાંથી મને વર્ષે દહાડે ત્રણ લાખથી વધુની આવક થાય છે.

કમલમની ખેતીની સાથે અન્ય શાકભાજી અને ફળાઉ વૃક્ષો પણ ખેતરમાં છે. જેમાં આંબળ, આંબા, જામફળ, ખારેક, નાળિયેર, ચિકુ, અંજીર, પપૈયા,સરગવો- શાકભાજીમાં તુરીયા, હળદળ,રીંગણા વગેરે દ્રારા અન્ય ત્રણ લાખની આવક ઉભી થાય છે. એમ મળી કુલ છ થી સાત લાખ રૂપિયાની આવક મળે છે.

ચાર વર્ષ પહેલા મે રાસાયણિક ખેતીમાં મકાઈ, દિવેલા, કપાસ, ઘઉં વગેરે જેવા પાકો લીધા.રાસાયણિક ખેતી સામે પ્રાકૃતિક ખેતીમાં જ્યારથી મેં પ્રાકતિક ખેતીની શરૂઆત કરી છે ત્યારથી રોગ- જીવાતનું પ્રમાણ ઓછું, ખર્ચ ઓછો અને નફો વધારે, જમીન ફળદ્રુપ થઇ છે.

હું દેશી ગાયનાં ગૌમુત્ર તેમજ ગોબરમાંથી જીવામૃત, ઘન-જીવામૃત, બીજામૃતનો ઉપયોગ કરું છું. આ ઉપરાંત, રોગ અને જીવાત માટે બ્રમ્હાસ્ત્ર, નીમાસ્ત્ર, તેમજ દર્શપરણી અર્ક અને ફૂગનાશક માટે દેશી ગાયની છાસનો ઉપયોગ કરું છું.

હું મારા કાર્ડિયાક પ્રાકૃતિક ફાર્મ પર પ્રાકૃતિક ખેતીનાં પાંચ આધાર સ્થંભ (જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફ્સા, જંતુનાશક અસ્ત્રો)નો ઉપયોગ કરી ખેતી કરું છું.આ ખેતી પધ્ધતિ થોડી માવજત વધુ માંગે છે પરંતુ સામે તેમાં કોઇ ખર્ચ નથી તમારો સમય જ આ ખેતીનો ખર્ચ છે. ખેડૂતો પોતાની તમામ જમીન પર નહી પરંતુ થોડી થોડી જમીન પર આ ખેત પધ્ધતિ અપનાવે તો આવનારા સમયમાં આપણી આ જમીન ફરીથી સોને કી ચીડિયા બનશે. ભૂતકાળમાં જેમ ખેતી ઉતમ ગણાતી તે સમય આવતા વાર નહી લાગે.