INS વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર કોમોડોર જે.એસ. ધનોઆએ પદભાર સંભાળ્યો

ગુજરાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરના આઇ.એન.એસ. વાલસૂરા ખાતે કોમોડોર જે.એસ. ધનોઆએ 23 જુલાઇ,2022 ના રોજ એક પરેડ દરમિયાન ભારતીય નૌકાદળની પ્રીમિયર ઇલેક્ટ્રિકલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ INS વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર કોમોડોર ગૌતમ મારવાહ પાસેથી પદભાર સંભાળ્યો હતો.

કોમોડોર ગૌતમ મારવાહાએ 24 મે,2021ના રોજ INS વાલસુરાની કમાન સંભાળી હતી અને આ સંસ્થાના કર્મચારીઓ અને વહીવટીતંત્રની તાલીમમાં ઘણું યોગદાન આપ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન 25 માર્ચ 22ના રોજ વાલસુરાને રાષ્ટ્રપતિનું ચિહ્ન એનાયત એ INS વાલસુરાના ઇતિહાસમાં એક મોરપીછનો ઉમેરો થયો હતો.

કોમોડોર જે.એસ. ધનોઆને 01 જુલાઈ,1993ના રોજ ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યા હતા અને તેમણે ગંગા, બ્રહ્મપુત્રા અને તલવાર સહિત ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો પર સેવા આપી હતી. કોમોડોર નેશનલ ડિફેન્સ કૉલેજ, ખડગવાસલા અને નેવલ કૉલેજ ઑફ એન્જિનિયરિંગ, લોનાવલાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમને ઈંગ્લેન્ડની ક્રેનફિલ્ડ યુનિવર્સિટી દ્વારા અંડરવોટર એકોસ્ટિક્સ કોમ્યુનિકેશનમાં ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી છે. તેમણે WESEE, ઈન્ડિયન નેવલ એકેડમી અને નેવલ ડોકયાર્ડ (મુંબઈ) ખાતે સ્ટાફની ઘણી નિમણૂંક પણ કરી છે.

કોમોડોર જે.એસ ધનોઆએ ઈન્ડોનેશિયાના જકાર્તામાં ભારતીય દૂતાવાસમાં સંરક્ષણ સહયોગી તરીકે પણ સેવા આપી છે. કોમોડોરને એપ્લાઇડ રિસર્ચ માટે વીકે જૈન સુવર્ણચંદ્રક પણ મળ્યો છે.