રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટેના કીટ વિતરણ કાર્યક્રમનો ધ્રોલથી કૃષિમંત્રી રાઘવજી પટેલનાં હસ્તે શુભારંભ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ગુજરાત રાજ્યમાં સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટે આજથી 6 જિલ્લાઓમાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટેના કીટ વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેની શરૂઆત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના ધ્રોલ ખાતેથી કરાવી હતી.આ કાર્યક્રમમાં ખેડૂતોને સજીવ ખેતી કરવા માટે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં બિયારણ તેમજ જરૂરી સાધનોની સહાય અર્પણ કરવામાં આવી હતી. અને જામનગર જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મંત્રીએ સન્માનિત કર્યા હતા.તેમજ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને સજીવ ખેતીના ફાયદા અંગે વિસ્તૃત જાણકારી તેમજ પ્રાકૃતિક કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મંત્રીએ સજીવ ખેતીથી ઉત્પન્ન થયેલ પાકો અને ચીજવસ્તુઓના સ્ટોલની મુલાકાત લઈને ખેડૂતોના ઉત્સાહને વધાર્યો હતો.

આ કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે,  જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે થી આત્મા પ્રોજેક્ટ હેઠળ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (RKVY) અંતર્ગત સજીવ ખેતીને પ્રોત્સાહન આપવાના કીટ વિતરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. દરેક ખેડૂત સમૃદ્ધ બને, રાજ્યના ખેડૂતો સજીવ ખેતી કરે , જમીનની ફળદ્રુફતામાં વધારો થાય, લોકોનું આરોગ્ય સ્વસ્થ રહે, ખેડૂતોને સજીવ ખેતી કરવા અંગે પ્રોત્સાહન મળે અને તેમની આવકમાં વધારો થાય તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન છે કે ખેડૂતોની આવક બમણી થાય જો ખેડૂતો સજીવ ખેતી કરશે તો આ સ્વપ્ન સાકાર થશે. ખેડૂતોને સહાય મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર વિવિધ પાકોના વાવેતર માટે સહાય આપે છે. ખેડૂત સમૃદ્ધ થાય તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ બજેટ ફાળવવામાં આવ્યું છે. ધાન્ય પાકો અને ખાદ્યપાકો રસાયણમુક્ત બને તે દિશામાં ખેતી આગળ વધારવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. વધુમાં મંત્રીએ ખેડૂતોને રાસાયણિક ખેતીના ગેરફાયદા તેમજ સજીવ ખેતીના ફાયદા વિશે જણાવ્યું હતું. અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને સજીવ ખેતી કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

કૃષિમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ બોરસદિયા, મનસુખભાઈ ચભાડિયા, લગધિરસિંહ જાડેજા, તાલુકા પંચાયતના પ્રમુખ મતી ગીતાબા જાડેજા, એપીએમસી ધ્રોલના ચેરમેન દેવકરણભાઈ,  જોડીયા એપીએમસીનાં ચેરમેન જીવણસંગ પરમાર, વિનુભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઇ મુંગરા, સંયુક્ત ખેતી નિયામક એસ.કે.જોશી, ભરતભાઈ દલસાણીયા,જેન્તીભાઇ, રસિકભાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારી , આત્મા પ્રોજેકટ ડાયરેકટર , મતી શારદાબેન લોખીલ, ગોહિલ, કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.