જોડિયા માર્કેટીંગ યાર્ડમાં મગના ખરીદ કેન્દ્રનો શુભારંભ કરાવતા કૃષિમંત્રી રાઘવજી પટેલ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા જામનગર જિલ્લાના જોડિયા એ.પી.એમ.સીની મુલાકાત લઇ ટેકાના ભાવે મગના ખરીદ કેન્દ્રનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મંત્રીએ કહ્યું હતુ કે, સરકારની નેમ છે કે ખેડૂતોની આવક બમણી થાય તે માટે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તેની વ્યવસ્થા કરવામાં આવે છે. આ માટે સરકાર ખેડૂતોની જુદી જુદી વસ્તુના ટેકાના ભાવો નક્કી કરે છે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સુચના મુજબ પડતર કિમત પર ૫૦% નો વધારો કરીને ટેકાના ભાવો નક્કી કરવામાં આવે છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યનું કૃષિવિભાગ સતત કામગીરી કરી રહ્યું છે. સરકાર ખેડૂતોને ટેકાના ભાવ, વગર વ્યાજે લોન, અકસ્માતનો વીમો, સબસીડી આપે છે તેમજ પાકને નૂકસાન થાય ત્યારે પણ ઉદાર હાથે સહાય આપે છે. ખેડૂત સુખી થાય, સમૃધ્ધ થાય, આત્મનિર્ભર થાય તેવા ધ્યેય સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કૃષિ ખાતાઓ કામગીરી કરી રહ્યા છે.

આ મુલાકાત દરમિયાન મંત્રીએ માર્કેટિંગ યાર્ડના આગેવાનો અને કાર્યકરો સાથે વાતચીત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જોડિયા માર્કેટિંગ યાર્ડ ખાતે આ વર્ષે 173 ખેડૂતો દ્વારા મગના ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવવામાં આવી છે.જેમા એક ખેડૂત પાસેથી રૂ.1455 પ્રતિ મણ લેખે 125 મણ મગની ખરીદી કરવામાં આવશે.

આ પ્રસંગે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઇ દલસાણીયા, તાલુકા પંચાયત કરોબારી સંગઠનના અધ્યક્ષ વલ્લભભાઇ ગોઠી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીવણસંગભાઇ પરમાર, રસીકભાઇ ભંડેરી, જયસુખભાઇ પરમાર, ઘનશ્યામભાઇ રાઠોડ, રામુભાઇ મકવાણા, તાલુકા પંચાયતના સભ્યો, જુદા જુદા ગામના સરપંચ, ગ્રામ આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *