ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
સમગ્ર ગુજરાતની સાથે જામનગર જિલ્લામાં પણ વરસાદે મહેર કરતા વાવણીલાયક વરસાદ થયો છે જેના કારણે જિલ્લાના ખેડૂતોએ વાવણી પણ સારી એવી કરી છે. જામનગર જિલ્લામાં ખેડવાલાયક જમીનના 85 % જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 60 %થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે ત્યારે ખેડૂતો ખેતરે-ખેતરે વાવણી કરવા લાગ્યા છે.
ખેડવાલાયક કુલ ૩.૬૧ લાખ હેક્ટર વિસ્તારમાં અંદાજિત કુલ 3.02 લાખ હેક્ટર જમીનમાં વિવિધ ખરીદ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. એટલે કે 85 ટકા જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. ખેતીવાડી શાખાના આંકડા મુજબ અંદાજે 135 હેક્ટરમાં તુવેર, 1068 હેક્ટરમાં અડદ, 1,43,755 હેક્ટરમાં મગફળી, 797 હેક્ટરમાં તલ, 69 હેક્ટરમાં દિવેલા, 2179 હેક્ટરમાં સોયાબીન, 1,43,477 હેક્ટરમાં કપાસ (પિયત) 2325 હેક્ટરમા શાકભાજી, 8,089 હેક્ટરમાં ઘાસચારા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.
જામનગર જિલ્લામાં આગામી સમયમાં પણ સારા વરસાદના પગલે બાકી રહેતા વિસ્તારમાં ટૂંક સમયમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવશે. જેમાં ઓગસ્ટ સુધીમાં એરંડા પાકનું વાવેતર વધવાની શક્યતા છે.