ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમની પુર્વ કેબિનેટમંત્રી ચીમનભાઈ સાપરિયાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. શાળાની વિધ્યાર્થીનીઓ દ્વારા વંદે ગુજરાત રથનું સ્વાગત કરી તલવાર રાસ અને શોર્યગીતોની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભો અર્પણ કરાયા હતા.
આ કાર્યક્રમમાં પુર્વ કેબિનેટમંત્રી ચીમનભાઈ સાપરિયાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લોકોને મદદરૂપ થવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે. અને લોકો ગુજરાતના વણથંભા વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે ખેડૂતોને વીજ જોડાણ અંગેના પ્રમાણ પત્ર, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, આયુષ્માન ભારત યોજના, વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને કીટ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય રાજાભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ જેન્તીભાઈ, મહામંત્રી ચેતનભાઈ, પટેલભાઈ, તાલુકા વિકાસ અધિકારી હિતેશભાઈ, ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ અધકારીઓ, શિક્ષકો, વિધ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.